પૂજાપાર્કના યુવકનું હાર્ટએટેકથી મોત
શહેરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ માયાણીનગર ચોક પાસે પૂજા પાર્કમાં રહેતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું સામે આવ્યું છે. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માયાણીનગર ચોક પાસે આવેલ પૂજા પાર્કમાં રહેતા અનિલભાઈ મોહનભાઈ સંઘાણી નામનો 32 વર્ષનો યુવાન વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો. અચકી અને તાવની બીમારીમાં સપડાયા બાદ અનિલભાઈ સંઘાણીનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોઠારીયા રોડ ઉપર આવેલ ઋષિપ્રસાદ સોસાયટીમાં રહેતા મહિપતસિંહ અરવિંદભાઈ પરમાર (ઉ.વ.38) અને ગોંડલ રોડ પર આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા રાજેશભાઈ દલપતરામ મહેતા (ઉ.વ.60)નું બીમારી સબબ બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.