વિદેશી સિગારેટ અને વેપોના જથ્થા સાથે જામનગરનો યુવાન ઝડપાયા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વિદેશી સિગારેટનું ચલણ વધી રહ્યું છે ત્યારે યુવાધનને વિદેશી સિગારેટને રવાડે ચડાવી પાયમાલ કરી દેવાના ચાલી રહેલા ષડયંત્રના ભાગરૂપે ગઈકાલે પોલીસે ચોક્કસ બાતમીના આધારે રામાપીર ચોકડી પાસેથી 1.78 લાખની કિંમત વિદેશી સિગારેટ અને વેપોના જથ્થા સાથે જામનગરના યુવાનની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં વિદેશી સિગારેટ અને ઈ સિગારેટ તેમજ વેપોના જથ્થાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે સરકારને ભારે નુકસાની થાય છે. વિદેશથી ગેરકાયદે આવતાં સિગારેટ અને ઈ સિગારેટનો જથ્થો ઘુસાડવાના કૌભાંડમાં ગઈકાલે એસઓજીને મળેલી ચોક્કસ બાતમીને આધારે રામાપીર ચોકડી પાસે આવેલ દ્વારીકા પ્રાઈડ ઓફિસ નં.601માં છાપો માર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ઓફિસમાંથી જામનગર ગુલાબનગર સત્યસાંઈનગરમાં રહેતા અને હાલ રાજકોટ ગોકુલ એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશ મોતીભાઈ ભારાણી (ઉ.22)ની ધરપકડ કરી હતી. પોલીસે જામનગરના યુવાન પાસેથી અલગ અલગ કંપનીની રૂા.1,06,000ની કિંમતની વિદેશી સિગારેટ તેમજ 72 હજારની કિંમતની ઈ સિગારેટ અને વેપોનો જથ્થો મળી આવતાં કુલ 1,78,000નો મુદ્દામા કબજે કરવામાં આવ્યો હતો. આ દરોડાની કાર્યવાહી એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ એમ.વી.માજીરાણા, ડી. બી.ખેર, ઈન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજય, ફિરોજભાઈ, હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફે કરી હતી.