ઓખામાં ભાઈ સાથે થયેલી બોલાચાલી બાદ યુવાને જિંદગી ટૂંકાવી
સુરજકરાડીમાં વાહનમાંથી પટકાતા મહિલાનું મોત
ઓખાના નવી નગરી ખાતે રહેતા અલ્તાફહુસેન હનીફભાઈ મુકાદમ નામના 23 વર્ષના યુવાને ગઈકાલે સોમવારે ઓખામાં આવેલા દંગાના વજનકાંટાની કેચીમાં દોરડું બાંધી અને ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો.
મૃતકની સગાઈ તેના ભાઈએ તોડાવી નાખેલ હોય, જે બાબતે ગઈકાલે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાબતે મૃતક અલ્તાફહુસેનને મનમાં લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલું ભરી લીધું હોવા અંગેની જાણ ફૈયાઝ હનીફભાઈ મુકાદમ (ઉ.વ. 21) એ ઓખા મરીન પોલીસને કરી છે.
વાહનમાંથી પડી જતા મોત
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા મીનાબેન ધર્મેશભાઈ બારીયા નામના 29 વર્ષના મહિલા રવિવારે રાત્રિના સમયે મીઠાપુરથી દ્વારકા જમવા માટે જતા હતા. ત્યારે મકનપુર ગામની આગળ પહોંચતા તેઓ અકસ્માતે વાહનમાંથી પડી ગયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ ભાનુબેન મનજીભાઈ કબીરા (ઉ.વ. 50, રહે. શંકર ટેકરી, જામનગર) એ દ્વારકા પોલીસને કરી છે.