માળિયા હાટીનાના ચોરવાડમાં યુવકનો ઝેર પી આપઘાત
માળીયા હાટીનાના ચોરવાડ ગામે રહેતાં યુવાને એક સપ્તાહ પૂર્વે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માળીયા હાટીનાના ચોરવાડ ગામે રહેતાં રવિભાઈ ભીખાભાઈ વાઢેર નામનો 18 વર્ષનો યુવાન 7 દિવસ પૂર્વે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મુળીના રાયસંગપર ગામે રહેતો હિતેશ છનાભ્ઈ ઝાલા (ઉ.25) વાંકાનેરના ઢુવા ગામ પાસે હતો ત્યારે કાના સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
