ધોરાજીમાંથી ‘સ્વાદ કા અસલી મઝા’ થેલીમાંથી 1.100 કિલો ગાંજાના જથ્થા સાથે યુવાન ઝડપાયો
- ગાંજો આપનાર શખ્સનું નામ ખુલ્યું: બાઈક, મોબાઈલ અને ગાંજો મળી રૂા.26,500નો મુદ્દામાલ કબજે
રાજકોટ જિલ્લામાં નશીલા પદાર્થની હેરફેર વધી રહી છે ત્યારે ગામડાઓમાં પણ હવે યુવાધનને નશાના રવાડે ચડાવી દેવા ડ્રગ માફીયાઓ સક્રિય બન્યા છે ત્યારે ગઈકાલે રાત્રે ધોરાજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે રસુલપરા દરગાહ પાસેથી ‘સ્વાદ કા અસલી મઝા’ થેલીમાં ગાંજો લઈને નીકળેલા શખ્સની ધરપકડ કરી 1.100 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની પુછપરછ કરતાં ઉપલેટાના શખ્સે ગાંજો વેચવા માટે આપ્યો હોવાની કબુલાત આપતાં તેની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ધોરાજીના પીઆઈ પી.કે.રાવતને મળેલી ચોક્કસ માહિતીના આધારે ધોરાજી રસુલપરા દરગાહ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન સમી સાંજે બાઈકમાં નીકળેલા શખ્સની અટકાયત કરી તલાસી લેતાં તેની પાસે રહેલ ‘સ્વાદ કા અસલી મઝા’ થેલીમાંથી રૂા.11000ની કિંમતનો 1.100 કિ.ગ્રા.ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે આરોપી સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી ઉપલેટા પંચહાટડી ચોકમાં રહેતા નદીમશા દિલાવરશા રફાઈ (ઉ.27)ની ધરપકડ કરી તેની પાસેથી ગાંજાનો જથ્થો, બાઈક, મોબાઈલ ફોન મળી 26,500નો મુદ્ધામાલ કબજે કર્યો હતો. પોલીસની પુછપરછમાં ઉપલેટાના મહમદશા હુશેનશા સર્વદી નામના શખ્સે ગાંજો વેચાણ માટે આપ્યો હોવાની કબુલાત આપતાં પોલીસે ગાંજો આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.આ કામગીરી ધોરાજીના પીઆઈ પી.કે.રાવતની સાથે કિશોરભાઈ લુણાસરીયા, રમણીકભાઈ, પંકજભાઈ, શક્તિસિંહ, વલ્લભભાઈ સહિતના સ્ટાફે કરી આરોપીને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.