મોબાઈલમાં મશગૂલ યુવાન બીજા માળેથી પટકાતાં મોત
- વાંકાનેરના રંગપર ગામે કારખાનામાં બનેલી ઘટના : બેઠા-બેઠા ફોનમાં વાત કરતા યુવકને કાળ ખેંચી ગયો
વાંકાનેર તાલુકાના રંગપુર ગામે આવેલી કંપનીમાં કામ કરતો અને ત્યાં જ રહેતો શ્રમિક યુવાન કંપનીના બીજા માળે બેઠા બેઠા મોબાઇલમાં વાત કરતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાયો હતો મોબાઇલમાં મશગુલ યુવક ગંભીર રીતે ઘવાતા તેનું મોત નીપજ્યું હતું શ્રમિક યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામે આવેલી સિલ્પ કંપનીમાં મજૂરી કામ કરતા અકરૂૂરા રૂૂપાધર બગરતી નામનો 22 વર્ષનો યુવાન રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં કંપનીના બીજા માળે બેઠા બેઠા મોબાઇલમાં વાત કરતો હતો ત્યારે અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. મૃતક યુવાન ત્રણ ભાઈમાં વચ્ચેટ અને અપરિણીત હતો. અને મૃતક યુવાન ત્રણ દિવસ પૂર્વે જ ઓડીસાથી મજૂરી કામ માટે આવ્યો હતો અને મિત્રો સાથે બીજા માળે બેઠો હતો અને ફોનમાં વાત કરતો હતો તે દરમિયાન અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.