ઉપલેટા નજીક અકસ્માતમાં નાના ભાઈનું મોત, મોટાભાઈને ઈજા
ઉપલેટા તાલુકાના ઢાંક અને મેરવદર ગામ વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ અને ટ્રેક્ટર વચ્ચે થયેલી આ ટક્કરમાં બે વૃદ્ધ ભાઈઓ પૈકી નાના ભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે મોટા ભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઢાંક અને મેરવદર ગામ વચ્ચે આ ભયાનક અકસ્માત થયો હતો. મોટરસાયકલ ચલાવી જઈ રહેલા બે વૃદ્ધ ભાઈઓને ટ્રેક્ટર સાથે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં મોટરસાયકલ ચાલક 62 વર્ષીય ઝીણાભાઈ હીરાભાઈ ચાવડાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમના 65 વર્ષીય મોટાભાઈ વિરમભાઈ હીરાભાઈ ચાવડાને પગમાં ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઈજાગ્રસ્ત વિરમભાઈને તાત્કાલિક સારવાર અર્થે ઉપલેટા ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ઢાંક ગામના સરપંચ સંજય લુણસીયા અને મૃતકના પરિવારજનો ઉપલેટા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં જ ભાયાવદર પોલીસ પણ તાત્કાલિક ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે મૃતક ઝીણાભાઈ ચાવડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની અને અકસ્માત અંગેની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગમગીન ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.