ભાવનગરના નવાપરાના યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ યાસીનબાગ ફ્લેટ નં.303 માં રહેતા અમીર સોહિલ અજીજભાઈ ચૌહાણ ( ઉં. વ.28 ) એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવેલ, જ્યાં તેમનુ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજી ઘટનામાં ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલ જીનિંગમાં આધેડે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી જાતે સળગી જતા તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોડી રાત્રિના મોત થયું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મહુવાના ભૂતેશ્વર, વડલીમાં રહેતા આધેડ પ્રવીણચંદ્ર રેવાશંકર જોશી ( ઉં.વ.55 ) આશા કોટન જીનિંગમાં કોઈ કારણોસર પોતાની જાતે પેટ્રોલ છાંટી સળગી જતા તેમને સારવાર અર્થે પ્રથમ મહુવા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.