જામનગરમાં રિપેરીંગ કરતી વેળા લિફટ તૂટી પડતા યુવાનનું મોત
જામનગર શહેરના પંચેશ્વર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ માં ગઈકાલે રાત્રે લિફ્ટ નું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી, અને લિફ્ટ તૂટી પડતાં તેમાં કામ કરી રહેલા એક આશાસ્પદ યુવાનનો ભોગ લેવાયો છે. જેનું કરુણ મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી પ્રસરી છે.
જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં લિફ્ટ બંધ પડી ગઈ હોવાથી ગઈકાલે રાત્રે તેમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું. જ્યાં 21 વર્ષીય નવાઝ હનીફભાઇ સોરઠીયા નામનો યુવાન લિફ્ટ રિપેર કરી રહ્યો હતો. જે દરમિયાન અચાનક લિફ્ટ નો બોલ્ટ ખૂલી જતાં લિફ્ટ નીચે પડવાથી દુર્ઘટના સર્જાઇ હતી. જે દરમિયાન લિફ્ટનું સમારકામ કરી રહેલા નવાઝ સોરઠીયાને ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ, ઇજાગસ્ત નવાઝ ને તાત્કાલિક સારવાર અર્થે 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં ફરજ પર હાજર રહેલાં તબીબોએ ઇજાગ્રસ્ત નવાઝને મુત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ બનાવ ની જાણ થતા સિટી-એ ડિવિઝન ની પોલીસ ટુકડી જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી, અને મૃતદેહ નો કબ્જે કરી લઇ પી.એમ માટે મોકલી આપ્યો છે, અને વધુ તપાસ હાથ ધરાઇ છે. આ કરૂૂણ બનાવ થી સોરઠીયા પરિવારમાં શોક નો માહોલ છવાયો છે.