મોબાઇલ રીચાર્જ કરાવવા જતા યુવાનનું બાઇક સ્લીપ થતાં મોત
કુવાડવાના ગુંદા ગામ નજીક બનાવ: તરઘડિયાના પરપ્રાંતિય યુવાનને કાળ ભેટ્યો
શહેરની ભાગોળે કુવાડવા નજીક ગુંદા ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતા મોબાઇલ રીચાર્જ કરાવવા જતા તરઘડીયાના બાઇક ચાલક યુવાનનું ગંભીર ઇજા થતા મોત નીપજ્યુ છે. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ રાજસ્થાનના વતની અને હાલ તરઘડીયા ગામે રહેતા કાળુસિંગ મદનસિંગ રાજપૂત (ઉ.વ.40) નામનો યુવાને ગત રાત્રે પોતાનું બાઇક લઇ ગુંદા ગામે મોબાઇલ રીચાર્જ કરાવવા જતો હતો ત્યારે ગુંદા ગામ નજીક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ આ અંગે કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક કાળુસિંગ બે ભાઇ પાંચ બહેનમાં મોટો અને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.