એપાર્ટમેન્ટમાં કલરકામ કરતી વખતે પટકાયેલા યુવાનનું મોત
શહેરમા લક્ષ્મીનગર નાલા પાસે એપાર્ટમેન્ટમાં રહેતો યુવાન કલર કામ કરતો હતો. ત્યારે અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાઉ થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ રાજકોટમાં લક્ષ્મીનગરના નાલા પાસે રેલ્વે ક્વાર્ટરની બાજુમાં આવેલ દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુ દયારામભાઈ સહાની નામનો 31 વર્ષનો યુવાન પૂર્ણકુટી સોસાયટીમાં કલર કામ કરતો હતો. ત્યારે અકસ્માતે કલર કામ કરતી વખતે નીચે પટકાયો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્રી છે.
બીજા બનાવમાં જામનગર રોડ પર માધાપર ગામે રહેતા વજીબેન બાબુભાઈ જાખેલીયા નામના 59 વર્ષના વૃદ્ધા રાત્રીના ઘંટેશ્વર પાર્ક પાસે હતા ત્યારે હદયરોગનો હુમલો આવતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.