જસદણના વિરનગર પાસે ચાલુ ટ્રકમાંથી પટકાયેલા યુવકનું મોત
જસદણના વીરનગર પાસે ચાલુ ટ્રકમાંથી પટકાયેલા શ્રમિક યુવકનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક યુવાન બાર દિવસ પૂર્વે પવનચક્કીમાં ખલાસીના કામ અર્થે આવ્યો હતો અને સાઇટ પર જતો હતો. ત્યારે ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના વીરનગર ગામ નજીક ચાલુ ટ્રકમાંથી સબ્રતાભાઈ કાર્તિકભાઈ નામનો 35 વર્ષનો પશ્ચિમ બંગાળનો યુવાન અકસ્માતે નીચે ભટકાયો હતો.
યુવકને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઈમાં મોટો અને અપરણિત હતો. મૃતક યુવાન બાર દિવસથી પવનચક્કીમાં ખલાસીના કામ પર આવ્યો હતો અને ગઈકાલે ટ્રકમાં બેસી સાઈડ પર જતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આટકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.