અયોધ્યા ચોક પાસે ભાઈની ઓફિસમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક પાસે આવેલી ભાઈની ઓફિસમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, વિમલનગર મેઈન રોડ પર આવેલી શિવધારા સોસાયટી શેરી નં.5માં રહેતાં પિયુષ જેન્તીભાઈ વેકરીયા (ઉ.40) નામના યુવાને આજે બપોરે અયોધ્યા ચોક પાસે ઈન્ફીનીટી બિલ્ડીંગમાં આવેલી તેના ભાઈની ઓફિસ નં.612માં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં અહિં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક પિયુષ બે ભાઈ એક બહેનમાં મોટો અને અગાઉ ટ્રેડીંગનું કામ કાજ કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકે આ પગલું શા માટે ભરી લીધું ? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પટેલ પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.