બોકસ ક્રિકેટના કમિશન બાબતે યુવાન પર તલવાર વડે હુમલો, કારથી કચડવાનો પ્રયાસ
રેલનગરના મૈસુર ભગત ચોકની ઘટના: હત્યાના પ્રયાસની કલમ હેઠળ કાર્યવાહી
મોરબી રોડ પર નવા માર્કેટિંગ યાર્ડ પાસે ઇન્દ્રપ્રસ્થમાં રહેતો અને રેલનગરમાં ચાની હોટેલ ધરાવતા યુવાન પર બે શખસોએ તલવાર વડે હુમલો કરી મારી નાખવાના ઈરાદે કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ત્રિપુટી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ વિગતો મુજબ,નવા માર્કેટીંગ યાર્ડ સામે ઈન્દ્રપ્રસ્થ-6માં રહેતા હાર્દીક રાજેશભાઈ કુવારીયા (ઉ.30)એ ગાંધીગ્રામ પોલીસમાં સાગર મહીપત ડાંગર, ખોડા લાલભાઈ ડાંગર અને સતીષ ઉર્ફે હરીયો બેગડો રાઠોડ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રેલનગર પાસે આવેલ મૈસુર ભગત ચોકમાં અરવિંદભાઈ ડાંગરની જગ્યા પર સવાએક વર્ષ પૂર્વે મે બોકસ ક્રિકેટ શરૂૂ કરેલ હતું.બાદ દસ માસ ચલાવી આ બોકસ ક્રિકેટ મહીપત ડાંગરને પાંચેક મહિના પૂર્વે રૂૂ.12.21 લાખમાં વેચાણ કર્યુ હતું.આ વેચાણ કરેલ ત્યારે મૌખીક વાત થયેલ કે મારા ગ્રાહકો આવેલ તેની રૂૂ.1000 ફી પેટે મને રૂૂ.100 કમીશન પેટે આપવાનું નકકી થયું હતું.
બાદમાં રાત્રીના ઉપરોકત હોટેલથી ઘરે જતો હતો ત્યારે સાગરનો ફોન આવ્યો અને કમીશન પેટે વાત કરવી જેથી તે ઓમ વે બ્રિજ પાસે ગયેલ ત્યારે સાગર અને ખોડો બોકસ ક્રિકેટના કમીશન પેટે બોલાચાલી થયેલ જેથી મારો મોટોભાઈ આવીને મને હોટેલ લઈ ગયેલ હતો.
બાદ હોટેલ ઉપર હતો ત્યારે એક સફેદ કલરની કાર આવી તેમાંથી ખોડો અને સતીષ તલવાર લઈને ઉતરી તને કમીશન આપવાનું થતું નથી તારાથી થાય તે કરી લેજે કહી તલવાર વડે હુમલો કર્યો હતો અને જતા-જતા મારી નાખવાના ઈરાદે મારા પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.
આમ આ સાગર ડાંગરે કમીશન બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી ખોડા અને સતીષને મને મારી નાખવાના ઈરાદે મોકલેલ હોવાની ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ત્રિપુટી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.