મીઠાપુરમાં બ્લેન્ડર મશીનમાં પડી જતાં શ્રમિક યુવાનનું મૃત્યુ
દ્વારકામાં વૃધ્ધ તથા પુત્રો -પુત્રી પર ચાર શખ્સોનો હુમલો
દ્વારકામાં ચીખલી તળાવ વિસ્તારમાં રહેતા હાજાભાઈ ચનાભાઈ પરમાર નામના 39 વર્ષના યુવાન ગઈકાલે સોમવારે આરંભડા વિસ્તારમાં આવેલી અગ્રવાલ કંપનીમાં કોલસા મિક્સિંગ કરવાના બ્લેન્ડર મશીનમાં ઓપરેટર તરીકે કામ કરી રહ્યા હતા, ત્યારે બ્લેન્ડર મશીનમાં પડી જતા તેમને ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ બોઘાભાઈ પરમારએ મીઠાપુર પોલીસને કરી છે. જેથી પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.
હુમલો
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા તેજાભાઈ બીજલભાઈ રવસી નામના યુવાનને મૂળવાસર ગામના શ્યામ નાગાજણભાઈ નામના શખ્સ સાથે રીક્ષા અડવા બાબતે બોલાચાલી થઈ હતી. આથી આરોપી શ્યામ તેમજ કિશન ઉપરાંત સાગર અને એક અજાણ્યા શખ્સ મળી, ચાર શખ્સોએ તેજાભાઈ તેમજ તેમના ભાઈ અને બહેન તથા પિતાને લાકડી વડે બેફામ માર મારતા તેઓને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારતા આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે બીજલભાઈ હમીરભાઈ રવસી ગઢવી (ઉ.વ. 60) ની ફરિયાદ પરથી તમામ ચાર શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
