ધ્રોલ નજીક બાઇક આડે રોઝડું ઉતરતા ચાલક યુવાનનું મોત
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત ની હારમાળા યથાવત રહી છે, અને ગઈકાલે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ધ્રોળ નજીક ત્રીપલ સવારી બાઈકની આડે રોઝડું ઉતરતાં બાઈક સ્લીપ થયું હતું. જેથી તેના ચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજયું છે, જ્યારે અન્ય બે યુવકો ને સામાન્ય ઇજા થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ થોરીયાળી ગામમાં એક પટેલ ખેડૂતની વાડીમાં રહીને મજૂરી કામ કરતો કૈલાશભાઈ ગમનસિંહ ભુરીયા નામનો 30 વર્ષનો આદિવાસી યુવાન ગઈકાલે પોતાના બાઈકમાં પોતાના કાકાજી સસરા નરશીભાઈ તથા તેમના શાળાને ત્રિપલ સવારી બાઈક માં બેસાડીને ધ્રોળમાં મોબાઈલ ફોન લેવા જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં એક રોજડું આડું ઉતરતાં બાઈક ફંગોળાઈ ગયું હતું, અને તે અકસ્માતમાં બાઈક સવાર કૈલાશ ભુરીયા ને ગંભીર ઈજા થવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય બે વ્યક્તિને સામાન્ય ઇજા થઇ છે.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક કૈલાસ ના ભાઈ ચીમનભાઈ ગમનસિંહ ભુરીયાએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. બી. સોઢિયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.