રાણપુરના યુવા બિલ્ડરનું કાશ્મીરમાં હાર્ટએટેકથી મોત : પરિવારમાં કલ્પાંત
પત્ની, બે બાળકો અને પિતરાઈ ભાઈ ડોક્ટરનો પરિવાર કાશ્મીરમાં ફરવા ગયા હતાં
બોટાદ જિલ્લાના રાણપુર થી કાશ્મીર ફરવા ગયેલા યુવકનું કાશ્મીરમાં હૃદય રોગના હુમલાથી મોત થયું હતું.
તા. 15મીએ હાર્ટએટેક આવ્યા બાદ પાંચ દિવસ સુધી શ્રીનગરની હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ થતા મૃતદેહ રાણપુર લવાતા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
આ અંગે મળતી માહીતી મુજબ બોટાદ જિલ્લાના રાણપુર ના અગ્રણી યુવા બિલ્ડર સિદ્દીકભાઈ મોદનનો પરીવાર અને તેઓના કાકાના દીકરા ડોક્ટર અલ્તાફભાઈ મોદનનો પરિવાર રાણપુરથી તા. 10-2-2025ના રોજ કાશ્મીર ફરવા ગયા હતા.
જ્યાં તા.15મી ફેબ્રુઆરીએ સિદ્દીકભાઈ યુસુફભાઈ મોદન (ઉં.વ.40)ને હૃદય રોગનો હુમલો આવતા શ્રીનગરની મેઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત વધારે બગડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા મોદન પરિવારના ડોક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા 5 જેટલા ડોક્ટરો અમદાવાદ થી વિમાન માર્ગે કાશ્મીર પહોંચ્યા હતા.પરંતુ તબિયતમાં સુધારો ન થતા રિટર્ન ટિકિટના દિવસે તા. 19મીએ તેમનું અવસાન થયું હતું.બાદમાં તેમનો મૃતદેહ રાણપુર લાવતા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
મૃતક પત્ની અને બે બાળકો સાથે ફરવા ગયા હતા જ્યા સિદ્દીકભાઈ નું મૃત્યુ થતા પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતું.