વેસ્ટ ઝોનમાં વિકાસ વરસ્યો, એક સાથે 9 બ્રિજના ટેન્ડર પ્રસિધ્ધ
આર્ષ વિદ્યામંદિર, રૈયા રોડ સહિત અન્ય 8 સ્થળે રૂા. 67.64 કરોડના ખર્ચે બનશે નાના-મોટા બ્રિજ
રાજકોટના નવા બનેલી સ્માર્ટ સીટી અને નવા 150 ફૂટ રીંગ રોડ પર સતત ટ્રાફિક વધી રહ્યો છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે વેસ્ટઝોનમાં એક સાથે નવ નવા બ્રિજ બનાવવા માટેના ટેન્ડર પ્રસિધ્ધ કર્યા છે. જેમાં કાલાવડ રોડ પર આવેલ કટારિયા ચોકડીએ રૂા. 150 કરોડના ખર્ચે સિગ્નેચર કેબલ બ્રીજ અને વેસ્ટઝોનના વોર્ડ નં. 11માં સેક્ધડ રીંગ રોડ પર રૂા. 42.26 કરોડના ખર્ચે અલગ અલગ ત્રણ બ્રીજ, રંગોલી પાર્ક નજીક રૂા. 7.20 કરોડના ખર્ચે બે બ્રીજ, મુંજકા પોલીસ ચોકી પાસે રૂા. 5.53 કરોડના ખર્ચે એક બ્રીજ અને રૈયા ગામથી સ્માર્ટ સીટી વચ્ચે નાલા પર 12.65 કરોડના ખર્ચે એક બ્રીજ બનાવવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા વેસ્ટ ઝોન કચેરીના ઇન્ચાર્જ સિટી એન્જીનીંયર કુંતેશભાઇ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં અલગ-અલગ 9 સ્થળોએ બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. શહેરના વોર્ડ નં.11માં કટારિયા ચોકડી ખાતે રૂૂ.150 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ બનશે. ટેન્ડર મંજૂર થયા બાદ વર્ક ઓર્ડર આપ્યા પછી 30 મહિનાની સમય અવધિમાં આ બ્રિજનું નિર્માણ કામ પુરૂૂં થશે. થ્રી-લેયર બ્રિજમાં ગ્રાઉન્ડ ફ્લોર પર યુટર્ન લઇ કાલાવડ રોડ અને સેક્ધડ રિંગ રોડ તરફ જઇ શકાશે. આ ઉપરાંત અન્ડરબ્રિજમાંથી નવા સેક્ધડ રિંગ રોડ તરફ જઇ શકાશે. જ્યારે ઓવરબ્રિજ પરથી વાહન ચાલકો જલારામ ફૂડ કોર્ટથી કોસ્મોપ્લેક્સ તરફ જઇ શકશે. ફ્લાય ઓવરબ્રિજની લંબાઇ 800 મીટર અને પહોળાઇ 24 મીટરની રહેશે. જ્યારે સેન્ટ્રલ સ્પામ 160 મીટરનો રહેશે. ફ્લાય ઓવરબ્રિજ જલારામ ફૂડ કોર્ટથી શરૂૂ થશે અને કોસ્મોપ્લેક્સ પાસે પૂરો થશે.
જ્યારે અન્ડરબ્રિજની લંબાઇ 600 મીટરની રહેશે અને પહોળાઇ 18 મીટરની રહેશે. અન્ડરબ્રિજ રંગોલી પાર્ક આવાસ યોજના પાસે હાલ જે હયાત નાલું છે ત્યાંથી શરૂૂ થશે અને 80 મીટર ટીપીના રોડ પર પૂરો થશે. શહેરના આ પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
કટારિયા ચોકડીએ સિગ્નેચર કેબલ બ્રિજની સાથે અન્ય આઠ સ્થળોએ હયાત નાલાને પહોળા કરવા કે બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં.11માં રંગોલી પાર્ક નજીક રૂૂડાની આવાસ યોજના પાસે 18 મીટર અને 24 મીટર ટીપીના રોડ પર 7.20 કરોડના ખર્ચે બે બ્રિજ નિર્માણ પામશે. આ ઉપરાંત વોર્ડ નં.9માં સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીના વિસ્તારને જોડતા સેક્ધડ રિંગ રોડ પર અલગ-અલગ ત્રણ બ્રિજ રૂૂ.42.26 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જ્યારે વોર્ડ નં.9માં જ મુંજકા પોલીસ ચોકીથી આગળ અને આર્સ વિદ્યા મંદિર પાસે રૂૂ.5.53 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.1માં રૈયા ગામથી સ્માર્ટ સિટીને જોડતા રોડ પર હયાત નાલાના સ્થાને રૂૂ.12.65 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે.
કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે 9 બ્રિજ માટેના ટેન્ડર ત્રણ દિવસમાં પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. જે માત્ર વેસ્ટ ઝોનમાં જ બનશે. સ્માર્ટ સિટી સાથેનું કનેક્શન વધુ મજબૂત કરવા માટે બ્રિજ બનાવવાના નિર્ણય લેવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. એકસાથે 9 બ્રિજના કામ શરૂૂ થતાં ટ્રાફિકની સમસ્યા બે વર્ષ માટે વકરે તેવી પણ શક્યતા નકારી શકાતી નથી. પરંતુ આ બ્રિજનું નિર્માણ કામ પૂર્ણ થતા ન્યૂ રાજકોટ અને ખાસ કરીને સ્માર્ટ સિટીની શકલ ફરી જશે.
કટારિયા ચોકડીએ બ્રિજ બનતા પહેલાં નામ બદલાયું
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલાવડ રોડ ઉપર કટારિયા ચોકડીએ અગાઉ આઈકોનીક બ્રીજ બનાવવામાં આવશે તેવું જાહેર કરાયું હતું. અને બ્રીજ બનવાનું ચાલુ થાય તે પહેલા જ નામ બદલી દેવામાં આવ્યુ છે. હવે આ બ્રીજ સિગ્નેચર કેબલ બ્રીજ તરીકે ઓળખાશે. જ્યારે શહેરમાં ઉપલા કાંઠા વિસ્તારમાં ભવિષ્યમાં આઈકોનીક બ્રીજ બનાવવામાં આવશે. જેના પગલે આઈકોનીક બ્રીજ નામ અનામત રાખવામાં આવ્યું છે.