ભાવનગરના મહુવામાં બગડેલી જણસીની નુકસાની વસુલવા યાર્ડના એજન્ટનું અપહરણ
ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં અપહરણની ત્રીજી ઘટના બની છે. મહુવા યાર્ડના કમિશન એજન્ટ મારફત કોલ્ડ સ્ટોરેજમાં મુકેલી જણસ બગડી જતાં થયેલા નુકસાનની ભરપાઈ વસૂલવા મોટા મુજીયાસર ગામના વેપારીએ અન્ય પાંચ શખ્સ સાથે મળી એજન્ટનું અપહરણ કરી માર માર્યો હતો. મહુવા માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ તુષારભાઈ જગદીશભાઈ જોષીને અમરેલીના મોટા મુંજીયાસર ગામના ઘનશ્યામભાઈ મનુભાઈ વઘાસિયા સાથે વર્ષ-2021થી વ્યાપારિક મુલાકાત થઈ હતી. આ દરમિયાન તુષારભાઈ મારફત ઘનશ્યામભાઈએ રૂૂ.60 લાખની કિંમતના ડુંગળી, આદુ અને ગાજર અલગ-અલગ ત્રણ કોલ્ડ સ્ટોરેજમાં મુકાવ્યા હતા, કમિશન એજન્ટે ધ્યાન દોર્યું હોવા છતાં કોઈ દિવસ તેઓ પોતાની જણસ જોવા ગયા ન હતા. જો કે,આ સમય દરમિયાન જણસ પડી-પડી બગડી ગઈ હતી.
આ દરમિયાન તેમણે કોલ્ડ સ્ટોરેજનું ભાડું પણ નહી ચુકવતા કોલ્ડ સ્ટોરેજવાળાએ તેમનો માલ બારોબાર વેચી દીધો હતા. આ નુકસાનની ભરપાઈ કરવા ઘનશ્યામભાઈ અવારનવાર કમિશન એજન્ટને ધાક ધમકી આપી હતી.જે બાદ ગત શનિવારે રાત્રિના મહુવા દિપક સોસયટી નજીકથી ઘનશ્યામ, કમલેશ ભાલીયા, મહેબુબ અલારખભાઈ શેખ, અલીભાઈ, અજય ચૌહાણ અને રાજુ જેન્તીભાઈ શિયાળે એજન્ટ તુષારભાઈનું અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઈ ગયા હતા. અને ત્યાં તેમને માર મારી મુંજીયાસર ગામે ઘનશ્યામની વાડીએ લઈ જઈ ઓરડીમાં બેસાડી દીધાં હતા. જે બાદ પૈસા માટે ઘરે જાણ કરતા તેમની પત્નીએ પોલીસને જાણ કરતાં મહુવા પોલીસે તેમને છોડાવ્યા હતા. આ અંગે તુષારભાઈ જોષીએ ઉક્ત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.