યાજ્ઞિક રોડ જન્માષ્ટમી પહેલા નહીં ખુલે, મેળામાં ટ્રાફિક સમસ્યા વકરવાનો ખતરો
14મીએ RCCનું કામ પૂરૂ થશે, ત્યારબાદ એક અઠવાડીયું લાગશે
રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવારો અને લોકમેળા પૂર્વે યાજ્ઞિક રોડ પરના વોંકળા પર બોકસ કલ્વર્ટ બનાવવાની કામગીરી પૂર્ણ નહીં થતા હવે જન્માષ્ટમી બાદ યાજ્ઞિક રોડ ખુલ્લો મુકવામાં આવશે. કોર્પોરેશનના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, સર્વેશ્ર્વર ચોકથી યાજ્ઞિક રોડને જોડતા વોંકળાનું બોકસ કલ્વર્ટ બનાવવા માટે આરસીસીનું કામ તા.14 ઓગસ્ટ સુધી ચાલશે અને ત્યારબાદ એકાદ અઠવાડીયા સુધી સ્લેબને પાણી પાવા અને પાકવાનો સમય જરૂરી હોય, તહેવારો પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મુકી શકાય તેમ નથી. હવે તા.20 કે 21મીએ એટલે કે તહેવારો પુરા થયા બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવનાર છે.
આ અગાઉ ગત તા.1 ઓગસ્ટના રોજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે કોર્પોરેશનના અધિકારીઓ- એન્જિનિયરોને સાથે રાખી સ્થળ નિરિક્ષણ કર્યા બાદ તા.15 ઓગસ્ટ સુધીમાં યાજ્ઞિક રોડ ખુલ્લો મુકવાની જાહેરાત કરી હતી.
પરંતુ સ્લેબનું કામ ધારણા કરતા મોડું થતા હવે જન્માષ્ટમીના તહેવારો પહેલા યાજ્ઞિક રોડ અને સર્વેશ્ર્વર ચોકને જોડતા વોંકળાનું કામ પુર્ણ થાય તેમ ન હોવાથી તહેવારો બાદ જ યાજ્ઞિક રોડ ખોલવામાં આવશે. લોકમેળા દરમિયાન યાજ્ઞિક રોડ બંધ રહેતા ટ્રાફિક સમસ્યા વધુ વકરવાનો ખતરો છે.