ઉપવાસીઓની ચિંતા વધી: શ્રાવણ માસમાં જ સિંગતેલ રૂપિયા 80 મોંઘું
પિલાણમાં મગફળીની અછતથી પખવાડિયામાં ભાવ વધ્યો: ગૃહિણીના બજેટ બગડ્યા
સપ્તાહમાં પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે તે અગાઉ સીંગતેલના ડબ્બામાં પખવાડીયામાં જ રૂ.80 જેટલો વધારો ઝિંકી દેવામાં આવ્યો છે. શ્રાવણ માસમાં વિવિધ વ્રત-ઉપવાસ કરતા ભાવિકો દ્વારા ફરાળ અને ભોજનમાં સીંગતેલનો ઉપયોગ સૌથી વધારે કરતા હોય છે અને જન્માષ્ટમીના તહેવારમાં ફરસાણ સહિતની આઇટમ બનાવવા ગૃહિણીઓ સીંગતેલનો ઉપયોગ કરતા હોય ભાવ વધારાથી બજેટ ઉપર તેની સીધી અસર પડશે. હાલ સીંગતેલનો ડબ્બો રૂ.2800 અને ટીન રૂ.850એ પહોંચ્યો છે.
તેલના વેપારીઓના જણાવ્યા મુજબ, શ્રાવણ મહિનો નજીકમાં આવી રહ્યો છે, જેના કારણે લોકો રૂૂટીન રસોઈની સાથો-સાથ ફરાળી વાનગીઓ બનાવવા માટે પણ સ્પેશિયલ સિંગતેલની ખરીદી કરતા હોય છે. આ ઉપરાંત ફરસાણના વેપારીઓ ફરાળી વાનગીઓ બનાવવા માટે સિંગતેલનો સ્ટોક કરી રહ્યા છે તેના કારણે માગમાં વધારો થઇ રહ્યો છે. ઘર માટે લીટર તેલના ટીન વધારે વેચાય છે જ્યારે વેપારીઓ 15 કિલો કે 15 લિટરનો ડબ્બો લેવાનું વધારે પસંદ કરતા હોય છે. જોકે, સિંગતેલ સિવાયના કપાસિયા, પામોલીન જેવા અન્ય તેલની માગ ઘટી જવાથી ભાવમાં રૂપિયા 30થી 40નો ઘટાડો જોવા મળ્યો છે.
તેલ મિલરોના જણાવ્યા પ્રમાણે, મગફ્ળીની સિઝન પૂરી થવાના આરે છે અને ભારે વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં મગફ્ળીની આવક ઓછી થઈ છે. આ સ્થિતિમાં મિલો પાસે પિલાણ કરવા માટે કાચામાલનો સ્ટોક ઓછો છે. ડીમાંડના પ્રમાણમાં પિલાણ ઓછું હોવાથી ભાવ વધી રહ્યા છે. જોકે, આવતા દિવસોમાં ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી છે. ઊંચા ભાવે માગ ઘટવાની સંભાવના છે.