આઈકોનિક ઓવરબ્રિજ સહિત 216 કરોડના કામોને મંજૂરી
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 67 દરખાસ્તો રજૂ થઈ, 141 કરોડના ઓવરબ્રિજમાં 25.51 કરોડનો GSTનો ચાંદલો : પ્રદ્યુમનપાર્ક પાસે ઝૂંપડપટ્ટીના 196 આવાસ ધારકોને પુન: સ્થાપિત કરાશે
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની આજે ચેરમેન જયમિન ઠાકરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી જેમાં કટારિયા ચોકડીએ રૂા. 167.24 કરોડના ખર્ચે આઈકોનીક બ્રિજ સહિત કુલ રૂા. 216 કરોડના વિકાસકામોને મંજુરી આપવામાં આવી હતી. કટારિયા ચોકડીએ ઓવરબ્રીજનું કામ 141 કરોડમાં અપાયું છે. પરંતુ જીએસટી સહિત રૂા. 167.24 કરોડે પહોંચ્યો છે.
આજની બેઠકમાં કુલ 67 દરખાસ્તો મંજુર કરાઈ હતી. જેમાં સૌથી વધુ બ્રિજ અને ત્યાર બાદ રસ્તાના કામોને મંજુરી અપાઈ હતી.
કાલાવડ રોડ પર ટ્રાફિક પરિવહન માટે ભારણ વધતા કટારીયા ચોક પર બ્રિજની જરૂૂર છે. આ જરૂૂરીયાત પૂરી કરવા કટારીયા ચોકમાં રાજકોટના સૌપ્રથમ આઇકોનિક કેબલ બ્રિજનું ટેન્ડર બહાર પડયું હતું. તેના ભાવ ખુલી જતા 124.07 કરોડના ટેન્ડર સામે 14.24 ટકા ઓન એટલે કે, 141.73 કરોડના ભાવની એલ-1 ઓફર સાથેની દરખાસ્ત કમિશનરે મોકલી છે. 18 ટકા જીએસટી સાથે 25.51 કરોડનો ટેક્સ ગણી કુલ ખર્ચે 167.24 કરોડનો ખર્ચ થશે. આ બ્રિજનું કામ અંદાજે 30 માસમાં પુરૂૂ થશે. 744 મીટર લંબાઇ અને 23.10 મીટરની પહોળાઇમાં 3*3 લેનનો આરસીસી બ્રિજ બનવાનો છે. તેમજ બંને તરફ સર્વિસ રોડ અને ફુટપાથ રાખવામાં આવ્યા છે. બ્રિજથી બે લાખ જેટલા વાહનચાલકોને ભવિષ્યમાં લાભ થશે.
આ ઉપરાંત રાજકોટનાં કેકેવી બ્રિજ નીચે ગુજરાત સરકારના આદેશ મુજબ વિવિધ ગેમ્સ, રેસ્ટોરન્ટ અને બોક્સ ક્રિકેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અંદાજીત રૂૂ.1 કરોડનો ખર્ચ થશે. અહીં આવતા લોકોને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા થાય નહીં તે માટે પે એન્ડ પાર્કિંગ પણ કાર્યરત રાખવામાં આવશે.
બે મિટિંગ અગાઉ ઇસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના મુખ્ય રસ્તાઓ પર માર્કિંગ કરવાનું કામ મંજૂર કરાયું ન હતું. જે તે વખતે વિનાયક કોર્પોરેશન નામની એજન્સીએ 1.08 કરોડમાં કામ માંગ્યુ હતું. આ સમયે 15 ટકા ઓછા ભાવની ઓફર થઇ હતી. આ દરખાસ્તમાં રિ-ટેન્ડર કરાવાતા ચોથા પ્રયત્નમાં આજ એજન્સી 32.05 ટકા ઓછા ભાવે કામ કરવા તૈયાર થઇ છે, તેનાથી 7 લાખનો ફાયદો થયો છે. પરંતુ રકમ કરતા શહેરના તમામ વોર્ડના જયાં-જયાં જરૂૂર હોય તે રહેણાંક સહિતના વિસ્તારના રસ્તા પર સ્પીડબ્રેકર અને તેની આજુબાજુમાં થર્મોપ્લાસ્ટ કરાવવામાં આવશે.
રાજકોટના કાલાવડ રોડ પર કેકેવી ચોકનાં પ્રથમ મલ્ટી લેવલ ફલાયઓવર બ્રિજના નિર્માણથી કાલાવડ રોડની ટ્રાફિક સમસ્યા થોડે અંશે હળવી થઇ છે. હવે રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં જે રીતે બ્રિજ નીચે રમત-ગમત પ્રવૃતિની સુવિધા ઉભી કરવા ડિઝાઇન બનાવેલી છે તે જ પ્રકારે આ બ્રિજ હેઠળ પરીમલ સ્કૂલ સામેના ભાગે ઇન્ડોર ગેમ્સ, બોકસ ક્રિકેટ, પીકલ બોલ, સ્કેટીંગ રીંગ વગેરે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સામાકાંઠે વોર્ડ નં.6માં પ્રદ્યુમન પાર્ક પાસે આવેલ સાગરનગર અને બેટ દ્વારકા ઝુંપડપટ્ટીનાં 196 આવાસ ધારકોને અન્ય યોજનામાં પુન: સ્થાપિત કરવા નીતિવિષયક દરખાસ્ત આવી છે. આ ઝુંપડાવાળો રસ્તો ખાલી કરાવીને રાંદરડા તળાવના રસ્તે આઇકોનિક બ્રિજ બનાવવા પ્રોજેકટ તૈયાર કરાયો છે. તે પૂર્વે ઝુંપડાવાળી જગ્યા ખાલી કરાવવાની છે. વોર્ડ નં.6માં પ્રદ્યુમન પાર્ક પાસે વર્ષો જુનો સાગરનગર અને બેટ દ્વારકા સ્લમ વિસ્તાર આવેલો છે. લાલપરી, રાંદરડા તળાવ વિસ્તારને રી-ડેવલપ કરીને ત્યાં આઇકોનિક બ્રિજ બનાવવા માટેનું આયોજન અગાઉ સરકારે મંજૂર કરેલું છે. આ માટેની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી છે.
બ્રિજ નીચે સ્પોર્ટસ સુવિધા
રાજકોટનાં વોર્ડ નં.8માં કાલાવડ રોડ પર કેકેવી ચોકના મલ્ટીલેવલ બ્રિજ નીચે પરીમલ સ્કૂલ સામે જુદી જુદી ચાર સ્પોર્ટસ સુવિધા ઉભી કરવા આયોજન કરાયું છે. બ્રિજ નીચેના ભાગમાં ઇન્ડોર ગેમ્સ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા 10.89 ટકા ઓછા ભાવ આવતા રૂૂપિયા રૂૂ. 36.49 લાખના ખર્ચે આ સુવિધા ઊભી કરવામાં આવશે. 10.5 મીટરની સાઇઝમાં બંને તરફ 18 ફુટ ઊંચી સેફટી ગ્રીલ બંધાશે. 114 ચો.મીટરમાં પાથ-વે ઉભો કરવામાં આવશે. આ જ જગ્યા પાસે બોકસ ક્રિકેટ બનાવવાનું પણ આયોજન કરીને ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. 13.522 મીટરના બોકસ બનાવવા માટે 7.35 ટકા ભાવ નીચા આવતા રૂૂ. 50.82 લાખના ખર્ચે આ લોકપ્રિય ગેમની સુવિધા ઉભી કરાશે. તો આ સાથે પીકલ બોલ સુવિધા માટે પણ ચારેતરફ 18 ફુટની સેફ્ટી ગ્રીલ અને 114 ચો.મીટરનો પાથ-વે બનાવવામાં આવશે. પીકલ બોલના કામ માટે 7.17 ટકા વધુ ભાવ આવતા રૂૂ. 58.79 લાખમાં આ કામ થશે. આ ઉપરાંત રૂૂ. 42.47 લાખમાં અહીં સ્કેટિંગની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. આ માટેની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે.