મુળીના ખાખરાળામાં ખાણમાં લોડર સાથે પડી જતા શ્રમિકનું મોત
મૂળી તાલુકાના ખાખરાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોસેલના ખાડામાં પડી જતા વગડીયાના યુવકનું મોત નિપજ્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળી તાલુકામાં કેટલાક સમયથી પ્રાંત અધિકારી દ્વારા ઠેર ઠેર રેડ કરી ખનીજ ચોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં તંત્રની રહેમ નજર હેઠળ ખનીજ ચોરો છાણાખૂણે ખનીજ ખોદી રહ્યા છે. ત્યારે મૂળીના ખાખરાળા પાણીની ટાંકી પાછળના ભાગે ગેરકાયદે ચાલતા કાર્બોસેલની ખાણમાં મૂળ ધોળીયાના અને હાલ વગડીયા ગામે રહેતા પરિવારનો યુવક લોડર લઇ જઇ રહ્યો હતો ત્યારે કોઇ કારણસર યુવક લોડર સહિત ખાણમાં ખાબકતા યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.જ્યારે કેટલાક દિવસોથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ તંત્ર દ્રારા કામગીરી ઢીલી કર્યાનું ચર્ચાઇ રહ્યું છે.
દર વર્ષે ગેરકાયદે ખાણમાં અનેક મજૂરના મોત નિપજે છે પરંતુ પાછળથી ભૂમાફિયા નાણાકીય વહિવટ કરી બધુ રફેદફે કરી દેતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં અખૂટ પ્રમાણમાં ખનીજ તત્વો ઘરબાયેલા છે. આથી જિલ્લામાં થાનગઢ, મૂળી સહિતના તાલુકાઓમાં ગેરકાયદે ખનીજના વહનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરી કરીને સરકારને લાખો રૂૂપિયાનું નુકસાન પહોંચાડાઈ રહ્યું છે.
