જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સીડી પરથી પટકાતા શ્રમિકનું મોત
જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફેબ્રીકેશનનું કામ કરતો રાજકોટનો શ્રમિક યુવાન સીડી પરથી પડી જતાં ઈજાગ્રસ્ત થયો હતો. જેનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, મુળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ ગોંડલ ચોકડી પાસે વિરાણી અઘાટમાં રહેતો લાલચંદ રાજકુમાર વિશ્ર્વકર્મા (ઉ.37) નામનો યુવાન ગત તા.16-9નાં રાત્રીનાં સમયે જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફેબ્રીકેશનનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે સીડી પરથી પડી જતાં તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું તેનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ બે બહેનમાં વચેટ હતો અને જૂનાગઢ યુનિવર્સિટીમાં કામ રાખેલું હોય ત્રણ દિવસથી કામે ગયો હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં લોધિકા તાલુકાના રાતૈયા ગામે પુષ્પરાજસિંહ જાડેજાની વાડીમાં રહેતો રામુ શેરુભાઈ સેમલ (ઉ.40) નામનો આદિવાસી યુવાન આજે સવારે વાડીએ ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં અકસ્માતે વીજ કરંટ લાગતાં બેભાન થઈ ઢળી પડયો હતો. જેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.