બાલાજી હોલ પાસે નવી બનતી બિલ્ડિંગમાંથી પડી જતાં શ્રમિકનું મોત
શહેરના 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે નવી બનતી બિલ્ડીંગમાંથી પડી જતાં પરપ્રાંતિય શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, મુળ યુપીનો વતની અને છ વર્ષથી રાજકોટમાં રહી ફર્નિચર કામ કરતો શહાબુદીન સિરાજદીન (ઉ.22) નામનો યુવાન બાલાજી હોલ પાસે નવી બનતી આલાપ એમ અલ્ટોસા બિલ્ડીંગમાં આઠમાં માળે ફર્નિચર કામ રાખ્યું હોવાથી કામ કરતો હતો.
દરમિયાન આજે સવારે આઠ વાગ્યાના અરસામાં બિલ્ડીંગના પાછળના ભાગેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક બે બહેનનો એકનો એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડીંગ ઉપરથી પડી જવાથી ઈજા થતાં મોત નિપજ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે.