નવી બનતી બિલ્ડિંગના 10મા માળેથી પટકાતાં શ્રમિકનું મોત
શહેરની ભાગોળે નવા દોઢસો ફૂટ રીંગ રોડ પર નવી બનતી બિલ્ડીંગના 10માં માળેથી પટકાતા શ્રમિક યુવાનનુ ગંભીર ઇજા થતા ઘટના સ્થળેજ મોત નીપજ્યુ હતુ. 18 માળની બની રહેલી બિલ્ડીંગમાં 10માળે પ્લાસ્ટર કામ કરતી વેળાએ અકસ્માતે પગ લપસતા બનેલી ઘટનાથી પરપ્રાંતીય પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળી વિગત મુજબ મૂળ પંચમહાલ પંથકનો વતની અને હાલ નવા 150 ફૂટ રીંગ રોડ પર 18 માળની શ્યામલ સાસ્વત એપાર્ટમેન્ટ નામની નવી બની રહેલી બિલ્ડીંગમાં રહી કામ કરતો બિપીન થાવરભાઇ રાઠવા (ઉ.વ.22)નામનો યુવાન આજે સવારે બિલ્ડીંગના 10માળે પ્લાસ્ટરનુ કામ કરી રહીયો હોતો ત્યારે અકસ્માતે પગ લપસી જતા તે 10માં માળેથી નીચે પટકાતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેનુ મોત નિપજ્યુ હતુ.
બનાવની જાણ થતા તાલુકા પોલીસ મંથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક તાપસમાં મૃતક ચાર ભાઇ ચાર બહેનમાં વચેટ અને ત્રણ વર્ષ પહેલા જ લગ્ન થયાનુ જાણવા મળ્યુ છે. એ પત્ની સાથે ત્રણ મહિના પહેલા મજૂરી અર્થે રાજકોટ આવ્યો હતો. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ છે. બિલ્ડર દ્વારા પ્રોજેકટમાં મંજુરોની સેફટી અર્થે સેફટીનેટ લગાડવામાં આવી હતીે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છેે.