રીંગરોડ-2ના ફેઇઝ-5ના ફોરલેન રોડના કામનો પ્રારંભ
મોરબી રોડથી અમદાવાદ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડને જોડતા ફોરલેન અને એક બ્રિજ બનાવવા સહિતના કામોનું ટેન્ડર પ્રસિધ્ધ કરતું રુડા
શહેરના રૂડા વિસ્તારમાં આવેલા રીંગરોડ-2નું જામનગર રોડથી-ગોંડલ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડ તથા ભાવનગર રોડથી અમદાવાદ રોડનું કામ હાલમાં ચાલુ છે. 4 ફેઇઝનું કામ પૂર જોશમાં ચાલુ છે. ત્યારે ફેઇઝ-5ના કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબી રોડથી અમદાવાદ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડના કામ તેમજ રૂડા એરીયામા એક બ્રિજ સહિત રૂા.147.81કરોડના ખર્ચે રીંગરોડ પૂર્ણ કરવામાં આવશે.
શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રૂડા અને મનપા દ્વારા રીંગરોડ -2 ફોરલેન બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જામનગર રોડથી ગોંડલ રોડ અને ગોંડલ રોડથી ભાવનગર રોડ તેમજ ભાવનગરથી અમદાવાદ રોડ સુધીનુ 4 ફેઇઝનું કામ હાલમાં પૂર્ણ થવામાં છે. તેમજ ત્રણ બ્રિજનું કામ પણ પૂર્ણ થઇ ગયુ છે.
આથી રીંગરોડ પુરો કરવા માટે અમદાવાદથી મોરબી રોડને જોડતા ફેઇઝ-5ના કામને આગળ ધપાવવા રૂડા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથધરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી રોડથી અમદાવાદ રોડ રૂડા એરીયામાં રૂા.98.43 કરોડના ખર્ચે ફોરલેન્ડ રોડ તથા વચ્ચે આવતા વિસ્તારમાં રૂા.36.89 કરોડના ખર્ચે એક બ્રિજ બનાવવાનો અને ફેઇઝ-3માં બાકી રહી ગયેલા ગોંડલ રોડથી ભાવનગર રોડને જોડતા ફોરલેનનું કામ ખર્ચે રૂા.12.49 કરોડ કરવામાં આવશે. ત્રણેય ટેન્ડર પ્રસિધ્ધ થતા ટૂંક સમયમાં બાકી રહેલ ફોરલેનનું કામ શરૂ કરવામાં આવશે.
રૂડા દ્વારા રીંગરોડ-2 બનાવવા માટે ત્રણ વર્ષ પહેલા જમીન સંપાદન સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ જામનગર રોડથી ગોંડલને જોડતા સીંગલ પટ્ટીના રોડનુ કામ શરૂ કરવામાં આવેલ તેવી જ રીતે અટલ સરોવર વિસ્તારમાં જામનગર રોડથી કાલાવડ રોડ સુધીના રોડ પર બીઆરટીએસ કોરીડોર તૈયાર કરવામાં આવ્યો છે.
અને બાકી રહેલા ફોરલેનનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જામનગર રોડથી અમદાવાદ રોડ સુધીનુ કામ મોટેભાગે પૂર્ણ થઇ ગયુ છે. પરંતુ અમદાવાદ રોડથી મોરબી રોડ અને મોરબી રોડથી જામનગર રોડને જોડતા રીંગરોડ-2નું કામ 80% બાકી હોય રૂડા દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. જેના લીધે હવે ફેઇઝ-5નું કામ ઝડપથી શરૂ થશે અને ત્રણ કેટેગરીમાં રૂા.147.81 કરોડના ખર્ચે બાકી રહેલા રીંગરોડ-2ના ફોરલેન રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે.
વાજડીગઢ ગામને રીંગરોડ-2 સાથે કનેક્ટ કરાશે
રૂડા દ્વારા રીંગરોડ-2નું કામ પૂર્ણ કરવા માટે ઝડપી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથોસાથ રીંગરોડ-2ને જોડતા ગ્રામ્યના રસ્તાઓ પણ બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં વાજડીગઢ ગામથી રીંગરોડ-2ને કનેક્ટ કરવા માટે રૂા.7.49 કરોડના ખર્ચે નવો પેવર રોડ તૈયાર કરવામા આવશે તેવી જ રીતે રીંગરોડને લાગુ હોય તેવા દરેક ગામોની કનેક્ટીવીટી રીંગરોડ-2 સાથે જોડવા માટે નવા રોડ બનાવવા આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશેે તેમ જાણવા મળેલ છે.