કામ થતા નથી: વોર્ડ 11માં ભાજપ કોર્પોરેટરોનો બળાપો; નેતાઓ દોડ્યા
નવા કામો, ખરાબ રોડ-રસ્તા મુદ્દે થયેલા લોકોના આંદોલનથી કોર્પોરેટરોએ જવાબ આપવો અધરો પડતા ભારે દેકારો
ભરત બોધરાએ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મેરેથોન મીટિંગ યોજી પરંતુ કોર્પોરેટરો હાજર ન રહેતા ભારે ચર્ચા
રાજકોટ શહેરમાં ચોમાસા બાદ તૂટી ગયેલા રોડ રસ્તા મુદ્દે કાગારોળ મચી જવા પામી છે અને તંત્ર દ્વારા પણ લોકરોષ ઠારવા માટે નિર્ણયાક પગલા લેવામાં આવી રહ્યા છે. છતા 18 વોર્ડમાં એક સાથે તૂટેલા રોડ રસ્તાઓ સહિતના કામો સમયસર ન થતા હવે ભાજપના કોર્પોરેટરો પણ બળાપો વ્યકત કરવા લાગ્યા છે. જેમાં વોર્ડ નં.11માં રોડ રસ્તા અને નવા કામો સમયસર ન થવાથી તાજેતરમાં થયેલા લોકઆંદોલનથી કંટાળી લોકોને શુ જવાબ આપવો તેવી મુંઝવણમાં મુકાઇ ગયેલા કોર્પોરેટરોએ વિરોધ શરૂ કરતા શનિવારે પ્રદેશ ઉપપ્રમુખ અને મનપાના પદાધિકારીઓ સહિતનાઓ વેસ્ટ ઝોન કચેરી ખાતે દોડી ગયા હતા અને કામ મુદ્દે અધિકારીઓ સાથે મેરેથોન મીટિંગ યોજાય છતાં આ મીટિંગ વોર્ડ 11ના શાસક પક્ષના નેતા સહિતના કોર્પોરેટરો ગેરહાજર રહેતા રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે.
વોર્ડ નં.11માં હાલ અનેક સોસાયટીઓને હાઇરરાઇઝ બિલ્ડિંગો બનવા લાગી છે. વોર્ડનો વ્યાપ વધતા રોડ રસ્તા સહિતના કામો કરવા જરૂરી બન્યા છે. તંત્ર દ્વારા વોર્ડ નં.11 માટે અનેક રોડ રસ્તા સહિતના પ્રોજેકટ મંજૂર કર્યા છે. પરંતુ અગાઉ તૈયાર થયેલા રોડ રસ્તાઓ ચોમાસા દરમિયાન તૂટી જતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન સહિતાના કાર્યક્રમો આપ્યા હતા તેવી જ રીતે લોકોએ ચૂંટીને મોકલેલા પોતાના કોર્પોરેટરોને પણ અનેક વખત ફરિયાદો કરી હતી. છતા સમયસર કામ શરૂ થયા ન હતા. આ મુદ્દે કોર્પોરેટરોના સૂત્રો પાસથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ કોર્પોરેટરો દ્વારા મુકવામાં આવેલા કામો સમયસર મંજૂર થતા નથી તેવી જ રીત જે રોડ રસ્તાઓના કામો મંજૂર થયા હોય તેનુ ખાતમુહૂર્ત કરી કામ શરૂ થયા બાદ અટકાવી દેવામાં આવી રહ્યુ છે. જેનો મતલબ કે, કોર્પોરેટરોનુું કોર્પોરેશનમાં ઉપજતુ ન હોય લોકોને જવાબ દેવો ભારે પડી રહ્યો છે. આ પ્રકારનો વિરોધ વંટોળ લગભગ દરેક વોર્ડમાં જોવા મળી રહ્યો છે. પરંતુ વોર્ડ નં.11માં લોકોના પ્રશ્નો હલ ન થતા હોય તેવી ફરિયાદોની સામે સતત પ્રજાના કામમાં વ્યસ્ત રહેતા કોર્પોરેટરોને હવે ભારે પડી રહી છે.
જેના લીધે અંદરો અંદર અસંતોષ જોવા મળી રહ્યો છે અને અમૂક લોકો કોર્પોરેટરો અમને બટકી ગયા છે. તેવુ કહેતા જોવા મળી રહ્યા છે. જેના લીધે કોર્પોરેટરોને પણ આ પદ લીધાનો વસવસો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ માસથી આ પ્રકારની ચર્ચાઓ ઉપર સુધી પહોંચતા ગઇકાલે પ્રદેશ ઉપપ્રમુખે શનિવારે તમામ પદાધિકારીઓને વેસ્ટઝોન કચેરીએ બોલાવી લોકોના કામ અંગે ચર્ચા કરી ડે.કમિશનર સહિતનાઓને પણ આ મુદ્દે સૂચના આપી હતી. પરંતુ જે વોર્ડમાં વિરોધ થયો છે. તે વોર્ડના ચારેય કોર્પોરેટરો મીટિંગમાં હાજર ન રહેતા શહેરભરમાં આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે.
બોર્ડર ઉપર અનેક કાર્યકરો અને નેતાઓની ફૌજ તૈયાર હોવાની ચર્ચા
ચોમાસા દરમિયાન તૂટેલા રોડ રસ્તાએ સત્તાપક્ષની કમર તોડી નાંખી હોય તેમ દરેક વોર્ડમાં કોર્પોરેટરો દ્વારા રોડ રસ્તા મુદ્દે ઉચ્ચકક્ષાએ ઉગ્રરજૂઆતો થવા લાગી છે. લોકોને જવાબ દેવો અધરો પડી રહ્યો છે. તેવા કોર્પોરટરો પણ હવે નિરાશામાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. પક્ષની છબી વધુ ન ખરડાય તે માટે ઉચ્ચક્ક્ષાએથી લોકોના પ્રશ્ર્નો ઝડપથી હલ કરવાના આવેશ છૂટ્યા છે. છતાં રોજે રોજે નવી ઉપાધીઓ ઉભી થવા લાગતા હવે વોર્ડ નં.12માં થયેલ પક્ષપલ્ટાની લહેર અન્ય વોર્ડમાં પણ જોવા મળી રહી છે. વોર્ડ નં.12માં વર્ષો જૂના કાર્યદક્ષ મહિલા કોર્પોરેટરના પતિએ પક્ષથી છેડો ફાડ્યો જેના ઘેરાપ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે જ લોકોમાં ચર્ચા જાગી છે. તે મુજબ અનેક ભાજપી કાર્યકરો અને નેતાઓની ફૌજ હાલ બોર્ડર ઉપર ઉભી રહી હવે પછીની સ્થિતિ ઉપર નજર રાખી પક્ષો પલ્ટો કરવાની તૈયારી કરી રહી છે. જેના લીધે આગામી દિવસોમાં સત્તાપક્ષને મોટો ફટકો પડશે તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે.
