વેરાવળમાં બાંધકામ પરવાનગી સહિતની કામગીરી 15 મહિનાથી ઠપ્પ
સંયુકત પાલિકા અને વેરાવળ સત્તા મંડળને પૂર્વવત સત્તા આપી મંજૂરી કામ ચાલુ કરાવવા બિલ્ડર એસો. સહિતનાની સરકારમાં રજૂઆત
વેરાવળ શહેરમાં બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા તમામ હોદ્દેદારો તથા સભ્યોની એક બેઠક મળેલ જેમાં વેરાવળ-પાટણ વિસ્તારમાં છેલ્લા 15 મહિનાથી વિકાસ કાર્યો ઠપ્પ હોય અને નવી નીતિઓ અને ડી2 કેટેગરીમાં સમાવેશથી જનતાને ગંભીર અન્યાય થઇ રહેલ હોય તેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ ઉઠેલ છે. આ બેઠકમાં બિલ્ડર એસો., એન્જિનિયર એસો. તેમજ બાર એસો.ના સભ્યો ઉપસ્થિત રહી ચિંતન મનન કરેલ હતું.
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ-પાટણ વિસ્તારમાં છેલ્લા 14થી 15 મહિનાથી તમામ પ્રકારની બાંધકામ પરવાનગીઓ, સબ-પ્લોટ, લે આઉટ મંજૂરી ઓ અને ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલપમેન્ટ એક્ટ-2022 (GRUDA-2022 ACT) હેઠળની ઈમ્પેક્ટ ફી સંબંધિત મકાન રેગ્યુલરાઇઝેશનની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ હોય જેના કારણે સ્થાનિક નાગરિકો, બિલ્ડરો અને વિકાસ સાથે સંકળાયેલા તમામ વર્ગોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમસ્યાથી વિકાસ કાર્ય અટકેલા પડ્યા છે. વેરાવળ-પાટણ વિસ્તારમાં બાંધકામને લગતી કોઈ નવી મંજૂરી મળતી નથી, જેના કારણે આર્થિક પ્રવૃત્તિઓ થંભી ગઈ છે. નવા નોટિફિકેશનની અસરો અને અનિશ્ચિતતા સર્જાઈ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તા.02/06/2025ના રોજ બહાર પાડવામાં આવેલ હુકમથી સત્તામંડળ (VPADA) માં ફક્ત DP અને TP સંબંધિત ઓફલાઈન કામગીરી ચાલુ રહેશે. આ કામગીરી ખરેખર ક્યારે ચાલુ થશે તે અંગે અનિશ્ચિત સમય લાગશે તેવી સ્થિતિ છે, જે અત્યંત ચિંતાજનક છે. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા (O.G. Area) અંતર્ગત અને નવા સમાવિષ્ટ 12 ગામોની લેઆઉટ તથા સબ-પ્લોટ ની ફાઇલો ટાઉન પ્લાનિંગ ઓફિસ, ગીર સોમનાથ હસ્તક હોવા છતાં તે પણ હાલ બંધ છે. નવા નિયમ મુજબ, વિસ્તારમાં ઝોનિંગ થયા બાદ જ કામગીરી ચાલુ થશે, જેનો અર્થ એ થાય છે કે અનિશ્ચિત સમય સુધી વિકાસ કાર્યો અટકેલા રહેશે. પેન્ડિંગ ફાઈલો અંગે સ્પષ્ટતાનો અભાવ છે.
તા.28/04/2025 પહેલા VPADAમાં પેન્ડિંગ રહેલી ફાઈલો તથાGRUDA ACT - 2022 હેઠળની પેન્ડિંગ ફાઈલો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી, જેના કારણે અરજદારો દ્વારા ભરવામાં આવેલી સ્ક્રુટિની ફી પણ નિરર્થક સાબિત થઈ રહી છે. D7A માંથી ઉ2 કેટેગરીમાં અન્યાયી સમાવેશ છે. વેરાવળ-પાટણ વિસ્તારને અગાઉ D7A કેટેગરીમાંથી સીધા ઉ2 કેટેગરીમાં (Direct 40 ટકા Land Contribution )મૂકી દેવાનો નિર્ણય લેવામાં આવેલ છે. અમારા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ (બંને બાજુ સમુદ્ર, બે નદીઓ અને ઓછી ઉપયોગી જમીન)ને ધ્યાને લીધા વિના આ 40 ટકા જમીન કોન્ટ્રીબ્યુશનનો નિયમ લાદવો અત્યંત અન્યાયી અને અવ્યવહારૂૂ છે.
આ નિર્ણય અમારા વિસ્તારના વિકાસને વધુ અવરોધશે અને બિનખેતી થયેલી જમીનો ના પેન્ડિંગ લેઆઉટનો મુદ્દો મુખ્ય છે. આ વિસ્તારમાં અનેક જમીનો બિનખેતી (ગઅ) થયેલ છે પરંતુ તેના લેઆઉટ પાસ કરાવવાના બાકી છે. જો આ લેઆઉટ જૂના નિયમ મુજબ પાસ કરવામાં નહીં આવે, તો બહુ મોટી સમસ્યાઓ ઊભી થશે. 40 ટકા જમીન કોન્ટ્રીબ્યુશનના હિસાબે જમીન વેચનાર (ખેતીની જમીન વેચનાર) અને ખરીદનાર (બિનખેતીની જમીન અને લેઆઉટની અપેક્ષાએ ખરીદનાર) વચ્ચે મોટા વાંધા, ઝઘડાઓ અને કોર્ટ કેસ થવાની પ્રબળ સંભાવના છે, જેનાથી કાયદાકીય અને સામાજિક સમસ્યાઓમાં ખૂબ જ વધારો થશે. આ અત્યંત સંવેદનશીલ મુદ્દાને પણ તાત્કાલિક ધ્યાને લેવા વિનંતી છે.
આર્થિક મંદીનો માહોલ છે. બાંધકામની મંજૂરી ન મળવાને કારણે બેંકો લોન નથી આપતી, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પણ ફોર્મ ભરી શકતા નથી, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં એક કૃત્રિમ મંદી ઊભી થઈ છે. આ પરિસ્થિતિ વેરાવળ-પાટણની જનતા માટે અન્યાય સમાન છે. દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળના મુકાબલે વેરાવળની જનતાને સ્પષ્ટપણે અન્યાય થતો હોવાની ફરીયાદ ઉઠી છે. આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે, દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળના મોડેલ (જ્યાં સત્તામંડળ જાહેર થયા પછી પણ જૂની પદ્ધતિથી બે-બે વાર કામગીરી ચાલુ રાખવાની સત્તાઓ સોંપાઇ હતી) મુજબ વેરાવળ પાટણ વિસ્તાર વિકાસ સત્તામંડળ (VPADA), વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા અને 12 ગામો માટે નગર નિયોજક, ગીર સોમનાથને પૂર્વવત સત્તાઓ સોંપીને રબેતા મુજબ મંજૂરીનું કામ તાત્કાલિક ચાલુ કરવા માટે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવેલ છે.