રિઅલ એસ્ટેટ ફિલ્ડમાં પોતાનો સિક્કો જમાવતી નારી શક્તિ
કોઈની કંડારેલી કેડી પર નહીં પરંતુ પોતાનો માર્ગ જાતે નક્કી કરનાર શિવાની કારેથાનું સ્વપ્ન છે પોતાની જગ્યા લઈને બિલ્ડર બનવાનું
પુરુષોના આધિપત્યવાળા ક્ષેત્રમાં બે મકાનથી શરૂઆત કરી આજે બેસ્ટ રિઅલ એસ્ટેટ બિઝનેસ વુમન છે શિવાની કારેથા
‘પ્રોપર્ટી લે-વેચ કરવામાં એક મહિલાને કામ કરતી જોઈને લોકો વિશ્વાસ મૂકતા નહોતા. લોકોની એવી માન્યતા હતી કે એક સ્ત્રી આ ફિલ્ડમાં કામ કઈ રીતે કરી શકે? ફક્ત સ્ત્રી હોવાના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કારણ કે લોકો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ તરીકે મહિલાને સ્વીકારી શકતા નહોતા.છોકરી હોવાના કારણે લોકોની અવગણના પણ સહન કરવી પડી છે આમ છતાં જે લોકોએ મારી સાથે કામ કર્યું, તેઓને ગમ્યું અને ધીમે ધીમે કામ વધતું ગયું.’આ શબ્દો છે,રાજકોટના પ્રોપર્ટી ડીલર તરીકે કામ કરતા શિવાની કારેથાના.જેઓ છેલ્લા સાત વર્ષથી પુરુષોના આધિપત્યવાળા રિઅલ એસ્ટેટ ફિલ્ડમાં પ્રોપર્ટી ડીલર તરીકે કામગીરી કરે છે.
આજે મહિલાઓ અનેક ક્ષેત્રમાં આગળ હોવા છતાં ઘણા ક્ષેત્ર એવા છે કે જેમાં મહિલાને કામ કરતી જોઈને સમાજને આશ્ર્ચર્ય થાય અને ઘણા લોકો તેની અવગણના પણ કરતા હોય છે. આશ્ર્ચર્ય,અવગણના અને અવહેલનાને પાર શિવાની કારેથાએ એક નવી સફર ખેડી છે. તેઓ માને છે કે સંઘર્ષના માર્ગમાં કોઈ સંગાથી હોતું નથી પરંતુ જ્યારે સફળતા મળે છે ત્યારે એ જ માર્ગમાં અનેક લોકો સાથ આપવા તૈયાર થઈ જાય છે.શિવાનીએ એમ.બી.એ સુધીનો અભ્યાસ કરેલ છે. પરિવારમાં માતા રેવતીબેન અને પિતા લખમણ ભાઈ તેમજ ભાઈ, ભાભી,ભત્રીજો અને બહેન છે.રાજકોટ પહેલા તેઓ સુરતમાં હતા અને જીવનમાં એવા સંજોગો આવ્યા કે નોકરી કરવી પડી.સૌ પ્રથમ માર્કેટિંગ મેનેજર તરીકેની જોબ કરી ત્યારબાદ એક વર્ષ પછી રાજકોટ શિફ્ટ થતાં તે જ કામગીરી ચાલુ રાખી. સુરત કરતાં રાજકોટમાં લોકોની અલગ માનસિકતા હતી જેના કારણે વધુ મુશ્કેલી પડી.
એક મહિલા રિઅલ એસ્ટેટમાં કામ કરતી હોય તે વાત લોકોના ગળે ઉતરતી નહીં આમ છતાં ધીમે ધીમે તેણે પોતાનું કામ શરૂૂ કર્યું.14થી વધુ પ્રોજેક્ટમાં માર્કેટિંગ હેડ તરીકે સફળતાપૂર્વક કામગીરી નિભાવી. જ્ઞાતિ અને સમાજની રૂઢિચુસ્તતાના કારણે સંઘર્ષ કરવો પડ્યો પરંતુ પરિવારના સપોર્ટના કારણે તેઓ આગળ વધતા રહ્યા.માતા, પિતા, ભાઈ, ભાભી, બહેન દરેકે ઉત્સાહ વધાર્યો.
નોકરી કરતા હતા ત્યારે એક પ્રોજેક્ટ પૂરો થયા બાદ નોકરીમાંથી છૂટા કરવાની વાત કરી ત્યારે જ તેમણે પોતાનો અલગ બિઝનેસ શરૂ કરવાનો નિશ્ચય કરી લીધો.નોકરી છોડી તેઓએ પોતાનું અલગ શિવૈત ઇન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કર્યું.
પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂૂ કર્યું પછી તેણીએ રેરામાંથી એપ્રુવલ પણ લીધી છે જેથી આજે ઉચ્ચ કક્ષાની સરકાર માન્ય પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટમાં તેની ગણના થાય છે.હાલ માતા પિતાના નામ સાથે એસઆરએલ ટ્રેડિંગ કંપની એટલે કે શિવાની રેવતી લખમણ, જેમાં માતા પિતાના નામનો સમાવેશ થાય છે.
એક સમયે ફક્ત રાજકોટમાં જ કામ કરતા હાલ મલ્ટિપલ બ્રાન્ડ સાથે ટાઈ અપ કરી કોર્પોરેટ લિઝિંગનું કામ પણ શરૂૂ કર્યું છે અને અમદાવાદ, કચ્છ, સૌરાષ્ટ્ર દરેક જગ્યાએ કામ ચાલે છે. રાજકોટમાં પોતાની ઓફિસ પણ ખરીદી છે અને એક સમયે કોઈ કંપનીના અંડરમાં જે પ્રોજેક્ટ કરતા હતા તે હાલ પોતાની જાતે અલગ અલગ કંપની સાથે મળીને કામ કરે છે.2021માં બેસ્ટ બિઝનેસ વુમન અને 2023માં સુરતમાં બેસ્ટ રિઅલ એસ્ટેટ બિઝનેસ વુમનનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. સંઘર્ષની સફર કેવી હોય તેનો તેઓને ખૂબ અનુભવ છે અને એટલા માટે જ જ્યારે અન્ય કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તેઓ મદદ માટે હંમેશા તૈયાર હોય છે.
તેઓએ જણાવ્યું કે,‘અત્યાર સુધી કોઈ બિલ્ડરોના હાથ નીચે કામ કર્યું નથી. હંમેશા ક્લાયન્ટની જરૂરિયાતને ધ્યાનમાં લીધી છે. કલાયન્ટ્સની જરૂૂરિયાત મુજબ બેઝિક સવાલો પૂછી તે મુજબ તેને ઘર બતાવવામાં આવે છે.પસંદગીનો એરિયા,ફર્નિચર સાથે કે ફર્નિચર વગર મકાન જોઈએ છે વગેરે પ્રશ્નો બાદ જરૂૂરિયાત મુજબ તેમના બજેટમાં મકાન બતાવવામાં આવે છે. ક્લાયન્ટની પસંદગીને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી 250થી વધુ પ્રોપર્ટીની લે-વેચ કરી છે.આ કામની આવકમાંથી ગાડી, ફ્લેટ વગેરે પ્રોપર્ટીની ખરીદી કરી છે.’ કોઈની કંડારેલી કેડી પર નહીં પરંતુ પોતાનો માર્ગ જાતે નક્કી કરનાર શિવાની આહીરનું સ્વપ્ન પોતાની જગ્યા લઈને બિલ્ડર બનવાનું છે.શિવાનીબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
નિષ્ફળતાથી ડરો નહીં
નવા ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી પોતાના પરિશ્રમ વડે સફળ થનાર શિવાનીબહેને મહિલાઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે, ‘કોઈનાથી પણ ડર્યા વગર તમારી મંઝિલ પર આગળ વધો.જે વસ્તુ તમને ગમે છે તે કરો સફળતા જરૂૂર મળશે.ઘણીવાર કોઈ કાર્ય માટે લોકો રોકે છે અથવા નિષ્ફળતા મળે છે પરંતુ હાર્યા વગર એ કામ વધુ ઝનૂનથી કરી સફળતા મેળવો.’
Wriiten By: Bhavna Doshi
