ટીપરવાને ગુટલી મારતા મહિલાઓએ રોડ પર કચરાના ઢગલા કર્યા
વોર્ડ નં. 12માં મવડી ચોકડીની આજુબાજુની સોસાયટીઓમાં ઘણા સમયથી ટીપરવાન ન આવતી હોવાની ફરિયાદો
રાજકોટ શહેરને સ્વસ્થ અને સુંદરબનાવવા માટે તેમજ સ્વચ્છતા રેકીંગમાં નંબર સુધારણા માટે મનપાના પર્યાવરણ વિભાગ દ્વારા શહેરના રોડ -રસ્તા ઉપર નાખવામાં આવતો કચરો બંધ કરવા ડસ્ટબીન ઉઠાવી લઈ ઘરે ઘરેથી કચરો એકઠો કરવા ટીપરવાન સુવિધા ઉપલબ્ધ કરાવવવામાં આવી છે. જેના માટેનો મીનીમમ ચાર્જ પણ લોકો પાસેથી લેવામાં આવી રહ્યો છે. પરંતુ ટીપરવાનનું સંચાલન કરતી એજન્સી અથવા ડ્રાઈવરો દ્વારા મનમાની કરવામાં આવી રહી હોવાની ફરિયાદો અનેક વખત ઉઠી છે. જેવું વોર્ડ નં. 12ના અમુક વિસ્તારોમાં બનવાપામ્યું છે. વોર્ડ નંબર 12માં મવડી ચોકડીના આજુબાજુના વિસ્તારો તેમજ સોસાયટીઓમાં ઘણા સમયથી ટીપરવાન ન આવતા આજે રોષે ભરાયેલી મહિલાઓએ આજે સર્કલ તેમજ રોડ ઉપર કચરાના ઢગલા ખડકી દેતા તંત્ર દોડવાલાગ્યું હતું.
મનપા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે વોર્ડવાઈઝ ટાઈમટેબલ મુજબ ટીપરવાનની ફાળવણી કરવામાં આવી છે. એકાદ દિવસ ટીપરવાન ન આવે તો ચલાવી લેવાય છે. જેની સામે અમુક સોસાયટીઓમાં સપ્તાહમાં એક-બે વખત ટીપરવાનના ફેરા કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે અમુક શેરીઓમાં ટીપરવાન પહોંચતી જ નથી. તેવી ફરિયાદો પણ અગાઉ ઉઠવા પામી હતી. છતાં એજન્સી દ્વારા આ બાબતે ગંભીરતાથી ધ્યાન ન આપતા અનેક વખત મનપાના ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદો પહોંચતી હોય છે. જેમાં વોર્ડ નં. 12માં આજે સવારથી મુખ્ય સર્કલો અને રોડ ઉપર મહિલાઓએ કચરો ફેંકવાનું શરૂ કરતા આ બાબતની જાણકારી પર્યાવરણ વિભાગને પહોંચી હતી. જેના લીધે તંત્ર દોડતુ થઈ ગયું હતું.
વોર્ડ નં. 12ના મવડી સર્કલ તેમજ બાપાસીતારામ ચોક સહિતની આજુબાજુની સોસાયટીઓ તેમજ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ટીપરવાનના દર્શન થતાં જ નથી. તેવી ફરિયાદો મહિલાઓએ કરી આજે સવારથી એકઠો થયેલો કચરો રોડ ઉપર ઠલવવાનું ચાલુ કર્યુ હતું. વોર્ડ નં. 12માં બાપાસીતારામ ચેોક તેમજ મવડી બાયપાસ અને મવડી સર્કલના મુખ્ય માર્ગોની આસપાસની સોસાયટીઓમાં છેલ્લા થોડા સમયથી ટીપરવાનના ફેરા મન પડે તે રીતે આવવા લાગ્યા હતાં. જેના લીધે રોજે રોજ એકઠો થતો કચરો વધી જતાં મહિલાઓમાં રોષ વ્યાપ્યો હતો.
સમયનો બગાડ થતો હોવાથી વ્યવસ્થા કથળી હોવાની ચર્ચા
મનપાની ટીપરવાન દદ્વારા કચરો એકઠો કરવામાં આવતો હોય છે તે દરમિયાન ટીપરવાનના કિલિન્ડર દ્વારા એક સ્થળે ગાડી ઉભી રાખી કચરામાંથી પ્લાસ્ટિક લોખંડ અલગથી તારવી ટીપરવાનની આજુબાજુ ટિંગાળવામાં આવેલા કોથળાઓમાં આ સામાન નાખવામાં આવતો હોય છે. જેમાં વધુ સમય લાગતો હોય છે. તેવી જ રીતે પ્લાસ્ટિક અને અન્ય સામાનના કોથળાઓ ભંગારબજારના વેપારીઓને ત્યાં આપવા માટે દરેક ટીપરવાન જતી હોવાનું જાણવા મળેલ છે. અનેક ભંગારની દુકાન આગળ ટીપરવાનની લાઈનો લાગેલી જોવા મળે છે. જેમાં સમય લાગતો હોય અનેક સોસાયટીઓમાં ટીપરવાનનું ટાઈમટેબલ ખોરવાઈ જાય છે. જેના લીધે સાંજનો સમય ફાઈનલ કરવા માટે ડ્રાઈવર દ્વારા અમુક શેરીઓમાં ગુટલી મારવમાં આવતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આથી આ બાબતે એજન્સી દ્વારા પગલા લેવા જોઈએ તેવું લોકો કહી રહ્યા છે.