For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ત્રંબામાં ઢોર-સફાઈના પ્રશ્ર્ને ગ્રામસભામાં મહિલાઓની તડાફડી

04:45 PM Sep 02, 2025 IST | Bhumika
ત્રંબામાં ઢોર સફાઈના પ્રશ્ર્ને ગ્રામસભામાં મહિલાઓની તડાફડી

આઠ દિવસમાં પ્રશ્ર્નનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી: ચૂંટાયેલી બોડીનો ઉધડો લીધો

Advertisement

ભાવનગર રોડ પર આવેલ ત્રંબા ગામમાં પ્રાથમીક સુવિધાના અભાવે વારંવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ઢોર અને સફાઇના પ્રશ્ને ગામની સો જેટલી મહીલાઓ દ્વારા પંચાયત કચેરી ખાતે ભારાયેલ ગ્રામ સભામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો અને સરપંચ સહીતના ચુંટાયેલા સભ્યોનો ઉધડો લઇ અઠવાડીયામાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

ગ્રામ સભામાં રોષ ઠાલવતા મહીલાઓએ સરપંચ સમક્ષ ફરીયાદ કરી હતી કે ગામમાં સાફસફાઇના અભાવે ગંદકીના ગંજ ખડકાઇ ગયા છે. ચોતરફ દુર્ગંધ આવી રહી છે. હાલ ચોમાસાનો સમયગાળો ચાલતો હોવાથી વરસાદી પાણીના ભરવાના કારણે આ ગંદકીએ અજગરી ભરડો લીધો છે અને લોકોના સ્વસ્થય ઉપર જોખમ જળુંબી રહ્યું છે. ઉપરાંત ગામમાં રખડતા ઢોરનો ત્રાસ પણ બેફામ વધ્યો છે. આ ત્રાસના કારણે ગામની મહીલાઓ ત્રાહીમામ પોકારી ગઇ છે. રખડતા ઢોરના આતંકથી નાના બાળકોને પણ ઘરની બહાર નિકળવું મુશ્કેલ થઇ પડયું છે.

Advertisement

કયારેક અઘટીત ઘટના બને તો જ નવાઇ નહીં તેવું ચિત્ર ગામમાં ઉપસી આવ્યું છે.
વધુમાં મહીલાઓ જણાવ્યું હતું કે ગામમાં રખડતા ઢોર છે તેઓને ગૌશાળામાં મુકી આવવામાં આવે અને જે માલીકીના ઢોર છે તેઓને ગ્રામ પંચાયત દ્વારા નોટીસ ફટકારી અને પોતાના ઢોરને વારી લેવા સુચના આપવામાં આવે. આ અંગે ગ્રામ પંચાયતે મહીલાઓને જણાવ્યું હતું કે ગૌશાળામાં ઢોર મુકવાના પૈસા ભરવા પડે છે. મહીલાઓએ કહ્યું હતું કે ગૌશાળામાં ઢોર મુકવા માટે અમે ડોર-ટુ-ડોર 500 રૂપિયા ફાળો કરી પંચાયતને આપીશું. જેના થકી ઢોરને ગૌશાળામાં મુકી આવવામાં આવે. વધુમાં કહ્યું હતું કે જો ચુંટાયેલા પ્રતિનીધીઓથી ગામના કામ ન થઇ શકતા હોય અને સંભાળી ન શકતા હોય તો પોતાના હોદા ઉપરથી રાજીનામું આપે. ચુંટાયેલા સભ્યોએ અઠવાડીયામાં પ્રશ્નોના નિરાકરણની ખાત્રી આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement