સુરેન્દ્રનગરમાં કોમ્પલેક્ષના ધાબા પરથી મહિલાની લાશ મળી, ગેંગરેપ થયાના પતિના આક્ષેપથી ચકચાર
પતિની ફરિયાદ પરથી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઇ
સુરેન્દ્રનગરમાં અઠવાડિયા પહેલાં કોમ્પ્લેક્ષના ધાબા પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, હજુ સુધી આ મૃત્યુનું રહસ્ય ખુલ્યું નથી, ત્યાં મહિલાના પતિ દ્વારા એક નવો ચોંકાવનારો દાવો કર્યો છે. મૃતક મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા લખાવ્યું કે, તેમની પત્ની ઉપર પાંચ જેટલાં લોકોએ દુષ્કર્મ ગુજાર્યો હતો અને બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી. હાલ, આ મામલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ફરિયાદના આધારે હત્યા અને દુષ્કર્મની દિશામાં તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં 7 ઓગસ્ટે કોમ્પ્લેક્ષના ધાબા પરથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પતિ દ્વારા પાંચ લોકોએ તેના પર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. પતિનો આરોપ છે કે, એક વ્યક્તિ મારી પત્નીને ઉંચકીને કોમ્પ્લેક્ષના ધાબા પર લઈ ગયો હતો અને બાદમાં પાંચ જેટલાં લોકોએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
આ મામલે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો રિપોર્ટમાં સામૂહિક દુષ્કર્મમાં મોતની ઘટનાનો ખુલાસો થશે તો હત્યાની કલમ પણ ઉમેરવામાં આવશે. આ સિવાય પોલીસ ફરિયાદીના આરોપના આધારે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિત અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે. આ મામલે અત્યાર સુધીમાં પ્રકાશ પરમાર અને ઝુમા ફરી બાદલ સહિત ત્રણ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આ મામલે કોઈ અટકાયત કે ધરપકડ કરવામાં નથી આવી.