પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી મહિલાએ પોલીસ મથકમાં ફીનાઈલ પીધું
શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી મહિલાએ પોલીસ મથકમાં જ ફીનાઈલ ગટગટાવી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ન્યારા ગામે રહેતી મહિલાને છ વર્ષથી પ્રેમિ સાથે રિલેશનશીપ હોય દરમિયાન પ્રેમીને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતાં તે પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ કરવા પહોંચી હતી પરંતુ આ બનાવ પડધરી પોલીસમાં આવતો હોવાનું યુનિવર્સિટી પોલીસે જણાવતાં તેણે આ પગલું ભરી લીધું હતું.
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ તાલુકાના ન્યારા ગામે રહેતી 37 વર્ષિય મહિલાએ આજે સવારે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફીનાઈલ પી લેતાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસ દ્વારા તેને તાત્કાલીક 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાના 18 વર્ષ પહેલા લગ્ન થયા હતાં તેના પતિ કારખાનામાં કામ કરતાં હોવાનું અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં મહિલાને છ વર્ષથી આશિષ લુહાર નામના શખ્સ સાથે રિલેશનશીપ હોય દરમિયાન આશિષને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની મહિલાને જાણ થતાં તેણે આશિષ વિરૂધ્ધ ફરિયાદ કરવા યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચી હતી. પરંતુ આ બનાવ પડધરી પોલીસ મથકની હદમાં આવતો હોવાથી યુનિવર્સિટી પોલીસે પડધરી પોલીસમાં ફરિયાદ કરવા જવાનું કહેતા મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં જ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગૌરવ પાર્કમાં વૃધ્ધે એસીડ પીધું
પુષ્કરધામ મેઈન રોડ પર આવેલા ગૌરવ પાર્કમાં રહેતાં મુકેશભાઈ રમણીકલાલ મહેતા (ઉ.68) નામના વૃધ્ધે આજે સવારે પોતાના ઘરે એસીડ પી લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વૃધ્ધ અમુલ દુધનું વેચાણ કરતાં હોય માલ લેવાના રૂપિયા ન હોવાથી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.