લોધિકામાં પ્લોટની બેઠાથાળે હરરાજી કરી નાખનાર મહિલા સરપંચ સસ્પેન્ડ
લોધીકા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે ગામ તળના પ્લોટની સતાબહાર હરરાજી કરી નાખતા હોદા પરથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરી નાખતા ખળભળાટ મચી ગયો છે.
જિલ્લા પંચાયત કચેરી દ્વારા કરાયેલા ઠરાવમાં જણાવ્યા મુજબ લોધીકા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સુધાબેન કિશોરભાઈ વસોયાએ સતાનો દુરપયોગ કરી અને સતામા નહી આવતા હોવા છતાં પણ લોધીકાના ચાંદલીનાકા વિસ્તારમાં આવેલ જૂના ગામતળના પ્લોટ નં. 7એ, 7બી, 7સી, 8એ, 8બી, 8સી, 8ડી, 8ઈ, 8એફ, 10એ, 11એ, અને થોરડી રોડ પર આવેલ નવા ગામતળના પ્લોટ નં. 6/1, 6/2, એમ કુલ 14 જેટલા પ્લોટની 28/11/2023માં હરાજી કરી નાખવામાં આવી હતી.
આ બાબતની અરજી મુકેશભાઈ પરસોતમભાઈ કમાણી દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમ સામે મહિલા સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ અરજી કરતા વિકાસ કમિશનર દદ્વયારા સસ્પેન્ડના ઓર્ડર પર સ્ટે મુકી અને મહિલા સસ્પેન્ડને સાંભળવા માટે સુચના કરતા જિલ્લાપંચાયત દ્વારા રજૂઆતની તક આપવામાં આવી હતી. જેમાં મહિલા સરપંચની રજૂઆતને સાંભળ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદા પરથી દૂર કરવાનો ઓર્ડર કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
મહિલા સરપંચને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી. પરંતુ તેનો જવાબ પણ સમયમર્યાદામાં રજૂ નહી કરતા તા. 21 એપ્રિલ 2025ના રોજ સુનવણી કરવામાં આવી હતી. જેમાં પક્ષકારોની રજૂઆત અને દલીલોને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સરપંચ પાસે ગામતળના પ્લોટની હરાજી કરવાની સ્વતંત્ર સત્તા નહી હોવા છતાં સતાનો ગેરપયોગ કર્યાનું સામે આવતા જિલ્લા પંચાયત દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.