એરપોર્ટ પોલીસ મથકમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા જતી મહિલાએ વખ ઘોળ્યું
શહેરની ભાગોળે આવેલા સુર્યારામપર ગામે 10 વર્ષથી મૈત્રી કરાર કરી સાથે રહેતા યુગલ વચ્ચે છેલ્લા બે મહિનાથી ઝઘડાઓ શરૂ થતાં મહિલા પતિ વિરૂધ્ધ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જતી હતી ત્યારે બામણબોર નજીક ઝેરી દવા પી લીધી હતી. મહિલાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ તાલુકાના સુર્યારામપર ગામે રહેતી દિવ્યાબેન સંજયભાઈ ઝાલા નામની 30 વર્ષની પરિણીતા રાત્રીનાં આઠેક વાગ્યાના અરસામાં બામણબોર પાસે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતાં એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં દિવ્યાબેન અને સંજય ઝાલા છેલ્લા 10 વર્ષથી મૈત્રી કરાર કરી સાથે રહે છે. સુર્યારામપરા પાસે સંજય ઝાલા રેસ્ટોરન્ટ ચલાવે છે. મૈત્રી કરારથી સાથે રહેતા યુગલ વચ્ચે છેલ્લા બે મહિનાથી ઝઘડાઓ શરૂ થતાં દિવ્યાબેન પતિ સંજય ઝાલા વિરૂધ્ધ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જતી હતી ત્યારે ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.