ડીકીમાંથી સામાન ઉતારતી મહિલા પર, બસનું ટાયર ફરી વળતા મોત
ભાવનગરના સિહોરના એક ગામે સુરતથી ખાનગી બસમાં આવેલા પુત્ર-પુત્રવધુને લેવા ગયેલા માતા બસની ડીકીમાંથી સામાન ઉતારી રહ્યા હતા તે વેળાએ બસના ચાલકે જોયા વગર બસને આગળ લેતા સામાન કાઢી રહેલ વૃદ્ધા ઉપર બસનું ટાયર ફરી વળતાં કરૂૂણ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના સિહોરના રામધરી ગામે રહેતા રમેશભાઈ શામજીભાઈ ગુજરાતી અને તેમના પત્નિ શારદાબેન બંન્ને રામધરી ગામે તેમના મકાનનું કામ શરૂૂ હોય જેને લઇ સુરતથી છ એક માસ અગાઉ રામધરી ગામે આવ્યા હતા. અને રાત્રીના સવા દસેક વાગ્યે સુરત ખાતેથી જય સાંઇનાથ ટ્રાવેલ્સ નામની ખાનગી બસ નં. GJ 01 DV 1538માં બેસી તેમના પુત્ર અને પુત્રવધુ રામધરી ગામે આવ્યા હતા. જેને લેવા માટે તેમના પત્નિ શારદાબેન રોડ ઉપર ગયા હતા. જ્યાં તેમના પત્નિ બસની ડીકીમાંથી સામાન કાઢી રહ્યા હતા તે વેળાએ બસના ચાલકે ગંભીર બેદરકારી દાખવી, બસને આગળ લેતા બસનું ટાયર શારદાબેનના માથે ફરી વળતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જે બાદ મૃતકની લાશને સિહોર ખાતેની સરકારી હોસ્પિટલમાં પી.એમ.અર્થે ખસેડી હતી. આ બનાવો અંગે બસના ચાલક વિરુધ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.