કેશોદમાં ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કરતી મહિલાનું વંદેભારત ટ્રેનની ઠોકરે મોત
જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક એક કરુણ દુર્ઘટના બની હતી, જેમાં વંદે ભારત ટ્રેનની ટક્કરે એક મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલા શાકભાજી ખરીદી ઘરે પરત ફરી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. જોકે, ઘટનાસ્થળે જ તેનું મોત નીપજતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ અને સ્થાનિક લોકોએ રેલવે તંત્ર સામે સલામતીની વ્યવસ્થા કડક કરવાની માગણી ઉઠાવી છે.
પ્રાથમિક માહિતી મુજબ મહિલા શાકભાજી ખરીદી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન તેણે રેલવે ટ્રેક ઓળંગવાનો પ્રયાસ કર્યો પરંતુ, એકાએક ઝડપથી આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે મહિલાની ટક્કર થઈ હતી. આ ઘટનાની ગંભીરતા એટલી હતી કે, મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહિલાના મૃતદેહને હાલ કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પોસ્ટમોર્ટમ માટે જરૂૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ કેશોદ રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઘટનાની વિગતવાર તપાસ શરૂૂ કરી છે. આ અચાનક બનેલી દુર્ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. લોકોએ દુ:ખ અને આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રેલવે ટ્રેક પરથી વારંવાર લોકો પસાર થતા હોવાથી આવા અકસ્માતો બનતા રહે છે. તેમણે રેલવે તંત્રને યોગ્ય સલામતીની વ્યવસ્થા, ક્રોસિંગ પર ગેટ કે ઓવરબ્રિજ બનાવવાની માગણી કરી છે, જેથી ભવિષ્યમાં આવા કરુણ બનાવો ન બને.