મોરબીમાં અંધશ્રદ્ધાના કારણે મહિલાની ટ્રક નીચે કચડી હત્યા
સી.સી.ટી.વી. ફૂટેજના આધારે અકસ્માતની ઘટના હત્યાની નીકળી: પાડોશીની ધરપકડ
મોરબીના પંચાસર રોડ પર ટ્રકની ઠોકરે મહિલાનું મોત નીપજ્યું હતું જે બનાવ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી જોકે મૃતકના પતિએ ટ્રક ચાલકે જાણી જોઇને ટ્રક હેઠળ પરિણીતાને કચડી હોવાની રજૂઆતને પગલે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે અને કેટલાક ચોકાવનારા ખુલાસાઓ થવા પામ્યા છે
ગત તા. 31 જાન્યુઆરીના રોજ પંચાસર રોડ પર ગીતા ઓઈલમિલ આગળ રાધા ક્રિષ્ના સોસાયટી પાસે ટ્રક ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી ફરિયાદીના પત્ની પંખુબેનને હડફેટે લેતા ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું જે બનાવ બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો બનાવને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી ટ્રક ચાલક અમૃતલાલ કેશુભાઈ ચૌહાણ રહે પંચાસર રોડ વાળો હોવાનું ખુલ્યું હતું અને મૃતકના પતિ ફરિયાદી રમણીકભાઈ ડાભીએ બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
જે બનાવ મામલે પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે બનાવમાં મોટો વણાંક આવ્યો છે અને કેટલાક ચોકાવનારા ખુલાસા થવા પામ્યા છે.જેમાં ફરિયાદી રમણીકભાઈ કાનજીભાઈ ડાભી અને ટ્રક ચાલક અમૃતલાલ બાજુમાં રહેતા હોય અને ફરિયાદીને આરોપી એક જ દીવાલે મકાન આવેલ હોય જે મકાનની દીવાલ ચણતર ત્રણેક વર્ષ પહેલા કરાવી હતી જે તે વખતે પારાપેટની ચણતર કામમાં તમારી દીવાલ બાજુ વધારે સિમેન્ટ વાપરેલ છે જેના કારણે ફરિયાદી અને આરોપીને પાણી ઢોળવા બાબતે માથાકૂટ અને સામાન્ય બોલાચાલી થઇ હતી.
જેથી બે માસ પૂર્વે આરોપી પોતાના ઘરનું મકાન ભાડે આપી અન્ય જગ્યાએ રહેવા જતો રહ્યો હતો આરોપીના પત્નીને કેન્સરની બીમારી હોય અને દીકરી ચાર વર્ષથી રીસામણે હોય જેથી ઘરમાં આર્થિક સ્થિતિ નબળી હતી અને આરોપી અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા હોય પોતે જે મકાનમાં રહેતા હતા ત્યાં આજુબાજુમાં કોઈ નડતરરૂૂપ હોય તેવી શંકા પોતાના મનમાં દ્રઢ થતા તા. 31 જાન્યુઆરીના રોજ સવારના અગિયાર વાગ્યે ફરિયાદીના પત્ની પંખુબેન દરણું દળાવવા માટે જતા હોય ત્યારે ટ્રકની સાઈડમાંથી જતી વેળાએ ટ્રક ચાલુ કરી લીવર આપી એકદમ ફૂલ સ્પીડમાં ફરિયાદીના પત્નીને મારી નાખવાના ઈરાદે ટ્રક ચડાવી મોત નિપજાવ્યાનું ખુલ્યું હતું
જેથી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે આઈપીસીની કમલ 302 નો ઉમેરો કરવા કોર્ટમાં રીપોર્ટ આપતા કોર્ટે ગ્રાહ્ય રાખી હુકમ કરતા હત્યાની કલમનો ઉમેરો કરી આરોપી અમૃતલાલ કેશુભાઈ ચૌહાણ (ઉ.વ.63) રહે પંચાસર રોડ મોરબી વાળાને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરતા રિમાન્ડ નામંજુર કરવામાં આવતા જેલહવાલે કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ચોટીલા પંથકમાં પણ આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં જુની અદાવતમાં ટ્રક નીચે કચડી નાખી હત્યા કરવામાં આવી હતી અને બનાવને હત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કરવામાંઅ ાવ્યો હતો પરંતુ સીસીટીવી ફુટેજના આધારે બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ જ રીતે મોરબી પંથકમાં સીસીટીવી પંથકમાં હત્યાની ઘટનાને અકસમાતમાં ખપાવી દેવાનો પ્રયાસ થયો હતો પરંતુ પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો હતો.