બેડીમાં વ્યાજખોરના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસ
જામનગરના બેડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ વ્યાજખોરના ત્રાસ ના કારણે ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતાં તેણી ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બેડી વિસ્તારમાં ભારત ઓઇલ મીલના પાછળના ભાગમાં રહેતી શાયરાબેન હનિફ ભાઈ કુંગડા નામની 40 વર્ષની વયની એક મહિલાએ ગઈકાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘેર વ્યાજખોરના ત્રાસના કારણે ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતાં તેણી બેશુદ્ધ બની હતી.
આ બનાવ અંગે તેણીને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેણી બેશુદ્ધ અવસ્થામાં સારવાર હેઠળ છે. આ બનાવની જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને આ બનાવ અંગે દવા પી લેનાર મહિલાના પરિવારજનોનું નિવેદન નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજખોરના વીષચક્રમાં ફસાઈ જતા તેના ત્રાસના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જણાવાયું છે. જે મામલામાં પોલિશ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.