જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી જતાં 22 લોકોેને ઇજા
50થી વધુ લોકો નવાગામ તરફ જમણવાર માટે જઇ રહ્યા હતા
રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા જીવાપર ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત તુલસી વિવાહના પ્રસંગમાં જમવા જઈ રહેલી બસને નડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ બસમાં 50થી પણ વધારે લોકો સવાર હતા, જેઓ જસાપરથી નવાગામ તરફ જમણવાર માટે જઈ રહ્યા હતા.
કાબૂ ગુમાવતા બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી અને પલટી મારતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર લોકો પૈકી 22 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તો પૈકી બે લોકોને વધુ ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગેની જાણ થતાં જ આટકોટ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી તેમજ અકસ્માતના ચોક્કસ કારણની તપાસ હાથ ધરી છે.
