મિલકત સિલીંગને લાગશે ચૂંટણી ગ્રહણ? કામગીરી ઠપ્પ થવાના એંધાણ
મનપાની ચૂંટણીઓ આવતા ફેબ્રુ.થી શરૂ થતી બાકીદારો વિરુધ્ધની સિલીંગ, જપ્તિ ઝૂંબેશ હળવી રાખી મતદારોને નારાજ ન કરાય તેવી સંભાવના
ચાલુ વર્ષના 456 કરોડનો ટાર્ગેટ પૂરો નહીં થાય તેવી આશંકા વ્યકત કરતું વેરા વિભાગ
મહાનગરપાલિકાની કરોડરજ્જુ સમાન મિલકત વેરાની આવકમાં ગાબડુ પડે ત્યારે અનેક કામો અટકી પડતા હોય છે. બજેટ દરમિયાન મિલકતના આધારે વેરા વિભાગને લક્ષ્યાંક આપવામાં આવતો હોય છે. આ વર્ષે રૂા.456 કરોડના લક્ષ્યાંકને પૂર્ણ કરવાનો છે. પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા બાકીદારો વિરૂધ્ધ થતી મિલકત સીલીંગ અને મિલકત જપ્તી સહિતની કામગીરી આ વખતે ઢીલી રાખવામાં આવે તેવા અણસાર વરતાઇ રહ્યા છે. જેથી આ વખતે લક્ષ્યાંક પૂર્ણ નહીં થાય તેવી આશંકા વેરાવિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ અંદાને 5.30 લાખ મિલકતો પૈકી 40% મિલકત ધારકો મિલકત વેરો ભરતા જ નથી જેના લીધે વેરાવિભાગના અબજો રૂપિયા આજે પણ અટવાયેલા રહ્યા છે. 40% પૈકી 10%થી વધુ મિલકતો કોર્ટ કેસ અથવા અન્ય કારણોસર વિવાદોમાં હોવાથી આ મિલકતનો વેરો ઉભરાવવો મુશ્કેલ બન્યો છે. જયારે બાકી રહી જતા 30% મગરમચ્છો વિરૂધ્ધ દર વર્ષે જાન્યુઆરી માસથી મિલકત સીલીંગ અને મિલકત જપ્તી સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. જેના લીધે અનેક બાકીદારો પાસેથી વેરા વસુલાત થઇ રહી છે. આ વખતે પણ જાન્યુઆરી માસથી સીલીંગ ઝૂંબેશ શરૂ કરવાની તૈયારીઓ વેરાવિભાગે આરંભી છે. ત્યારેજે સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ફ્રેબુઆરીમાસ આસપાસ મહાનગરપાલિકાની ચૂંટણી હોવાથી શાસક પક્ષ દ્વારા મતદારોનો રોષ ખાળવા સીલીંગ ઝૂંબેશ હળવી કરવામાં આવે તેવી શકયતા જોવાઇ રહી છે.
ગત વર્ષે લક્ષ્યાંક પૂર્ણ કરવામાં વેરાવિભાગ સફળ રહ્યુ હતું પરંતુ અત્યાર સુધીની વેરાવિભાગની આવક જોતા હવે બાકી રહેલા પાંચ માસ દરમિયાન લક્ષ્યાંક પૂર્ણ કરવો અશકય છે. તેમજ સીલીંગ અને જપ્તી સહિતની કામગીરીને ચૂંટણીનું ગ્રહણ લાગેતો 456 કરોડ ભેગા કરવા અધરુ કામ લાગી રહ્યુ છે. આથી આ વર્ષે ગત વર્ષની માફક સરળતાથી લક્ષ્યાંક પૂર્ણ નહીં થાય જેના લીધે મહાનગરપાલિકાની મુખ્ય આવકમાં મોટુ ગાબડુ પડવાની સંભાવના પણ જોવાઇ રહી છે.
160 કરોડ ભેગા કેમ કરવા ?
મનપાના વેરાવિભાગ દ્વારા આ વખતે સીલીંગ અને જપ્તી ઝૂૂંબેશ ઢીલી રાખવામાં આવે તેવા સંજોગો ઉભા થયા છે. ત્યારે ચાલુ વર્ષના 456 કરોડના લક્ષ્યાંકને કેમ પૂર્ણ કરવો તે મુદ્દે તંત્ર મૂંઝવણમાં મુકાઇ ગયુ છે. શહેરની 5.30 લાખ મિલકતો પૈકી અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોએ વેરાવળતર યોજનાનો લાભ લઇ વેરો ભરપાઇ કરી દીધો છે. જયારે 1.80 લાખ લોકોએ બાકીના દિવસોમાં વેરો ભરપાઇ કરતા આજ સુધીમાં 3.80 લાખ પ્રમાણીક કરદાતાઓએ રૂા.296 કરોડ વેરા પેટે ભરપાઇ કરી દીધા છે. છતાં 456 કરડના લક્ષ્યાંક સામે હજૂ પણ 160 કરોડની ઉઘરાણી બાકી હોય જો સીલીંગ અને જપ્તીની કામગીરીમાં વિધ્ન આવેતો રૂા.160 કરોડ કેવી રીતે ભેગા થશે તે મુદ્દે વેરાવિભાગ અત્યારથી જ મૂંઝવણમાં મૂકાઇ ગયુ છે. હાલ ધીમી ગતીએ સીલીંગ કામગીરી ચાલુ છે. પરંતુ ટૂક સમયમાં કામગીરી હળવી કરવાના આદેશ થશે તેવુ લાગી રહ્યુ છે.