સર્વેશ્ર્વર વોકળાનું વહેણ બદલવું ભારે પડશે? સ્લેબ ભરવાનો પ્રારંભ
શિવમ બિલ્ડિંગ નીચેનો વર્ષો જૂનો રૂટ રદ કરી રસ્તા પર વાળી તેના ઉપર સ્લેબ ભરાશે, ચોમાસામાં પરિણામ જોવા મળશે
શહેરના સર્વેશ્ર્વર ચોકમાં સર્જાયેલ વોકળા દૂર્ઘટના બાદ નવો વોકળો અને નવો સ્લેબ ભરવાનું મુહુર્ત આજ સુધી આવ્યું ન હતું. ડિઝાઈન તૈયાર કરવામાં તેમજ શિવમ બિલ્ડીંગનો પ્રશ્ર્ન પણ હલ થતો ન હતો. અંતે નવી ડિઝાઈન તૈયાર કરી વર્ષોથી જતાં વોકળાના વહેણને બદલવાનું નક્કી કરી શિવમ બિલ્ડીંગના નિચેથી પસાર થતાં વોકળાના બદલે હવે રોડ નીચેથી વોકળો પસાર થાય તે મુજબનો સ્લેબ ભરવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ વર્ષો જૂના વોકળાના વહેણને બદલવો ભારે પડશે તેવુંપણ ચર્ચાઈ રહ્યું છે. છતાં ચોમાસા દરમિયાન પરિણામ જોવા મળશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.13/11/2024ના રોજ વોર્ડ નં.7માં સર્વેશ્વર ચોક, ડો.યાજ્ઞિક રોડ ખાતે આવેલ વોંકળા પર રૂૂ.4.91 કરોડના ખર્ચે સ્લેબ બનાવવાના કામનું ખાતમુહૂર્ત વિધાનસભા-69ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત કાર્ય શરૂૂ કરતા પહેલા, સર્વેશ્વર ચોક ખાતેના વોકળામાં જે નાગરિકોનું મોત થયું છે તેવા દિવ્ય આત્માઓની શાંતિ માટે, ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા બે મિનિટ મૌન પાળવામાં આવેલ હતું.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ તેમજ ધારાસભ્ય ડો.દર્શિતા શાહ તેમજ રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વોર્ડ મહામંત્રી વિશાલભાઈ માંડલિયા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડિયા, કિરણ ટેલિવિઝન સ્ટોરના રાજુભાઈ પટેલ, બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના દીપકભાઈ કારિયા, સેનિટેશન કમિટી પૂર્વ ચેરમેન અનિલભાઈ લીંબડ, અગ્રણીઓ રાજુભાઈ મુંધવા, સંદીપભાઈ ડોડીયા, નિકુંજભાઈ વૈધ, કુસુમબેન ડોડીયા, નીતિનભાઈ જરીયા, અશોકભાઈ સામાણી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી એચ.પી. રૂૂપારેલીઆ, સિટી એન્જી. અતુલ રાવલ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, એમ.વી. ગાવિત તેમજ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં.7માં સર્વેશ્વર ચોક ખાતેના વોંકળા પર નિર્માણ પામનાર 990 ચો.મી.ક્ષેત્રફળના સ્લેબ કલ્વર્ટની લંબાઈ 110 રનિંગ મીટર, પહોળાઈ9 રનિંગ મીટર તેમજ ઊંચાઈ 3 રનિંગ મીટર રહેશે. સર્વેશ્વર ચોકથી ડો.યાજ્ઞિક રોડને જોડતો હયાત વોંકળો શિવમ કોમ્પલેક્ષ 1 તથા 2 બિલ્ડીંગ નીચેથી પસાર થતો હોઈ, આ વોંકળાની સાફ સફાઈ કરવામાં મુશ્કેલી થતી હોઈ, આ વોકળો હયાત રસ્તા પર ડાયવર્ટ કરવાથી વોંકળાની સફાઈ વ્યવસ્થિત રીતે થઈ શકશે સાથો સાથ વરસાદી પાણીનો નિકાલ પણ ઝડપથી થઈ શકશે જેને લીધે આ વિસ્તારના આશરે 15000 જેટલા રહેવાસીઓને સુવિધા ઉપલબ્ધ થશે.
ચોમાસાં પહેલાં કામ પૂર્ણ થશે?
સર્વેશ્ર્વર ચોકમાં અંતે વોકળાનો સ્લેબ ભરવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. અડધા રાજકોટમાંથી પસાર થઈને સર્વેશ્ર્વર ચોકમાંથી નિકળતા વોકળાનું વહેણ બદલી સ્લેબભરવાનું કામ શરૂ તો કરાયું છે. પરંતુ અન્ય પ્રોજેક્ટોની માફક સમયસર સ્લેબનું કામ પૂર્ણ નહીં થાય તો આગામી ચોમાસામાં પાણીને અવરોધ પડતા યાજ્ઞિક રોડ ઉપર તેમજ આગળના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ જાણકારો વ્યકત કરી રહ્યા છે. આથી તંત્ર દ્વારા ચોમાસા પહેલા કામ પૂર્ણ થાય તેની તકેદારી રાખવીપ ડશે.