સિનર્જી હોસ્પિટલના તબીબના આપઘાત પ્રકરણમાં પત્નીનું ટોર્ચરિંગ હોવાની શંકા
અંતિમવિધિ થયા બાદ મૃતકના બનેવી અને માતા-પિતાનું નિવેદન લેવાશે
રાજકોટની સિનર્જી હોસ્પિટલમા નોકરી કરતા એનેસ્થેટિસ્ટ જય માધવજીભાઇ પટેલ (ઉ.વ. 3પ) એ પોતાના ફલેટમા એનેસ્થેસિયા ઓવરડોઝ લઇ આપઘાત કરી લીધો હતો. જો કે તેમણે કયા કારણસર આપઘાત કર્યો એ અંગેનુ રહસ્ય બહાર આવ્યુ નથી.
વધુ વિગતો મુજબ નાના મોવામા આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક સુવર્ણભુમી એપાર્ટમેન્ટમા ફલેટ નં બી / 3 - 602 મા રહેતા ડો. જય પટેલે ગઇકાલે હોસ્પિટલે ગયા નહોતા એટલુ જ નહીં તેઓ પોતાનો મોબાઇલ પણ રીસીવ કરતા નહોતા. ત્યાના એક ડોકટરે પાડોશીને કોલ કરી ફલેટમા તપાસ કરવાનુ કહેતા કહયુ હતુ. જેથી પાડોશી અને આજુબાજુના લોકોએ ફલેટમા તપાસ કરતા જય પટેલ બેભાન હાલતમા પડેલા જોયા હતા. ત્યારબાદ 108 ને જાણ કરતા 108 ના ઇએમટીએ જય પટેલને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ તેમનો મૃતદેહ સિવીલ હોસ્પીટલે પીએમ માટે ખસેડવામા આવ્યો હતો.
તબીબી તપાસમા જાણવા મળ્યુ હતુ કે ડો. જય પટેલે એનેસ્થેસીયાનો ઓવરડોઝ લઇ આપઘાત કરી લીધો હતો. બેડરૂમમાથી એક ટીસ્યુ પેપર પણ મળી આવ્યુ હતુ જેમા લખ્યુ હતુ કે સૌ પ્રથમ મારા જીજાજીનો કોન્ટેકટ કરજો, ત્યારબાદ મારા માતા પિતાને જાણ કરજો. તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર અને ટીમે ઘટનાના કાગળો કર્યા હતા અને જણાવ્યુ હતુ કે આજે પુના ગયેલા તેમના માતા પિતા રાજકોટ આવી પહોંચ્યા હતા અને તેમના પુત્ર જય પટેલનો મૃતદેહ સ્વીકાર્યો હતો. જય પટેલે કરેલા બીજા લગ્નમા ગૃહ કલેશ ચાલતો હોય જેથી હાલ છુટાછેડાની વાત ચાલતી હતી અને આ યુવતી હાલ મુંબઇ રહે છે. સમગ્ર ઘટના મામલે અંતિમવિધી થયા બાદ મૃતકના બનેવી અશોકભાઇ તેમજ માતા પિતાનુ નિવેદન લેવામા આવશે. હાલ જય પટેલે તેમની પત્નીના ટોર્ચરીંગને કારણે પગલુ ભરી લીધાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.