ફઇના દીકરાએ સોનાનો ચેન પરત નહીં આપતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
મોચીનગરની પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ફિનાઇલ પીધું
શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતી પરિણીતાએ ત્રણ માસ પૂર્વે ફઈના દીકરાને સોનાનો ચેન આપ્યો હતો. જે ચેન પરત નહીં મળતા પરિણીતાએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જંગલેશ્વરમાં રહેતી શાબરીનબેન મોહસીનભાઈ હેરંજા નામની 23 વર્ષની પરિણીતા બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં શાબરીનબેનના સાત મહિના પૂર્વે જ લગ્ન થયા હતા અને ત્રણ માસ પૂર્વે તેના ફઈના દીકરા સાહિલ મન્સૂરીએ સોનાનો ચેન માંગ્યો હતો જેથી શાબરીનબેને ચેન આપ્યો હતો પરંતુ સાહિલ મન્સૂરીએ ચેન પરત નહીં કરતા કંટાળી જઇ શાબરીનબેને ફીનાઇલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જામનગર રોડ ઉપર આવેલા મોચીનગરમાં આવેલા અમૃત ટેનામેન્ટમાં રહેતી સંધ્યાબેન ભાવિનભાઈ ચાવડા નામની 24 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ગૃહકલેશથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું સંધ્યાબેન ચાવડાની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.