રાજકોટમાં જમીન દલાલે કરેલા ફાયરિંગમાં ઘાયલ પત્નીનું પણ મોત
રાજકોટના જામનગર રોડ પરના નાગેશ્વર મેઇન રોડ પર સમેત શિખર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક માસથી બહેનપણી સાથે રહેતી તૃષાબેન પઢીયાર (ઉ.વ.39) ઉપર તેના પતિ જમીન દલાલીનું કામ કરતા લાલજીભાઈએ પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી કરેલા ફાયરિંગના બનાવ બાદ પોતાના લમણે પણ ગોળી ઝીંકી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનામાં ઘાયલ તૃષાબેનનું પણ સારવારમાં મોત થયું હતું.
રાજકોટના સામાકાંઠે રહેતા ભત્રીજા વિશાલ ગોહેલ સાથે તૃષાને પ્રેમ સંબંધ હતો. જેને કારણે પતિ સાથે ઝઘડા ચાલતા હતા. તેના પરિણામે આ ઘટના બન્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ મામલે તૃષાના પરિવારે બનેવીને પરસ્ત્રી સાથે આડો સંબધ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સ્થિતિમાં કેન્દ્ર સ્થાને રહેલા વિશાલને પૂછપરછ માટે ગાંધીગ્રામ પોલીસે તેડુ મોકલ્યું છે. આજે જ તેની પૂછપરછ કરવામાં આવશે. લાલજીભાઈના પરિવારજનોએ પોલીસને એવી માહિતી આપી છે કે તૃષાબેનના સંબંધને કારણે પતિ-પત્ની વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી તકરાર ચાલતી હતી. જે છેલ્લા ત્રણ માસથી વધી ગઇ હતી. કારણથી છેલ્લા દોઢેક માસથી તૃષાબેન પોતાના એપાર્ટમેન્ટની સામે સમેત શિખર એપાર્ટમેન્ટમાં રહેતી બહેનપણી પૂજા સોની સાથે રહેવા જતા રહ્યા હતાં. પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે બનાવની સવારે પૂજાબેન અને તૃષાબેન એક્ટીવા ઉપર જીમ ગયા અને પરત આવ્યા ત્યારે
અગાઉથી રાહ જોઈને ઉભેલા લાલજીભાઈ પાર્કિંગમાં ધસી આવ્યા હતા.
પત્ની તૃષા સાથે ઝઘડો થતાં તેને એક તમાચો ઝીંકી દીધા બાદ બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આખરે લાલજીભાઈએ પિસ્તોલ કાઢી હતી. જે દ્રશ્ય જોઈ ડરી ગયેલા પૂજાબેન ત્યાંથી ભાગી ગયા હતાં. આ પછી લાલજીભાઈએ પત્ની તૃષા ફાયરિંગ કર્યા બાદ પોતે પણ લમણે પિસ્તોલથી ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધી હતી. તેણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. છઠ્ઠુ રાઉન્ડ ચેમ્બરમાં જ રહી ગયું હતું. આ બનાવમાં લાલજીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે તૃષાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેનું પણ આજે સવારે સારવાર દરમિયાન મોત થયું હતું. લાલજીની 32 બોરની આ પિસ્તોલ પોલીસે છે. 2017ની સાલમાં લાલજીભાઈએ હથિયારનું લાયસન્સ મેળવ્યું હતું. કબજે લઈ એફએસએલમાં મોકલી દીધી. બીજી તરફ આ મામલે ગાંધીગ્રામ પોલીસે પૂજાબેન સોનીનું નિવેદન નોંધ્યું છે. પરિવારના બાકીના સભ્યોના નિવેદનો નોંધવાની કામગીરી હાલ ચાલુ છે. સૌથી મહત્વનું નિવેદન વિશાલનું સાબિત થશે. આ ઉપરાંત તૃષાબેનના પરિવાર તૃષાના વિશાલ સાથેના સંબંધનો ઇનકાર કરી લાલજીને પરસ્ત્રી સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ કર્યો હતો.