થાનમાં પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત: પરિવારનો હત્યાનો આક્ષેપ
થાનમાં આવેલા આંબેડકરનગરમાં રહેતી પરિણીતાએ પતિ સહીતના સાસરીયાના ત્રાસથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક પરિણીતાના માવતર પક્ષે જમાઇને તેની ફઇની દિકરી સાથે આડા સંબંધ હોવાથી પુત્રીને મારી નાખ્યાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. પોલીસે આક્ષેપના પગલે પરિણીતાના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે અને પરિણીતાને ત્રાસ આપી મરવા મજબુર કરનાર પતિ સહીતના સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ થાનમાં આંબેડકરનગરમાન જુના વાસમાં રહેતી બીન્કલબેન ઉર્ફે રીન્કલબેન દર્શનભાઇ પારધી નામની 27 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સવારના દસેક વાગ્યાના અરસામાં લાકડાની આડીમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. મૃતક પરિણીતાના પરિવારે હત્યાનો આક્ષેપ કરતા પરિણીતાના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. પરિણીતાને શારીરિક માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરનાર પતિ દર્શન ભુપતભાઇ પારધી, સસરા ભુપત ગોવિંદભાઇ પારધી, સાસુ શાન્તુબેન પારધી, જેઠ માલાભાઇ પારધી, નણંદ જયોતીબેન હરેશભાઇ અને નણદોય હરેશભાઇ વિરૂધ્ધ થાન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. ફરીયાદી મૃતક પરિણીતાની માતા હંસાબેન વિરજીભાઇ પરમાર (રહે.નવી મોરવાડ, તા.ચુડા)એ ફરીયાદમાં જણાવ્યું હતું કે મૃતક બીન્કલબેન ઉર્ફે રીન્કલબેન એક ભાઇ ચાર બહેનમાં વચેટ હતી. તેણીના પાંચેક વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં એક પુત્રી છે. દર્શન પારધીને તેની ફઇની દીકરી સાથે આડા સંબંધ હોવાથી તે મારકુટ કરતો હતો. પતિ સહીતના સાસરીયાઓ ત્રાસ ગુજારતા હતા. બિન્કલબેન ઉર્ફે રિન્કલબેનની હત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે થાન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.