ગેસ લીકેજથી ભડકો થતાં પત્ની દાઝી, ઠારવા જતાં પતિ પણ લપેટમાં આવ્યો
કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે ઢોળાનો બનાવ : દંપતીને સારવારમાં ખસેડાયા
શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર સાત હનુમાન મંદિર પાસે ઢોળે રહેતી મહિલા પોતાના ઘરે ગેસ ઉપર ચા બનાવતી હતી ત્યારે ગેસની નળી લીકેજ થતાં ભડકો થતાં તેણી દાઝી ગઈ હતી જ્યારે ઘરમાં હાજર તેનો પતિ ઠારવા જતાં તે પણ દાજી જતાં બન્નેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર નજીક ઢોળા વિસ્તારમાં રહેતાં કંચનબેન હરેશભાઈ સોલંકી (ઉ.42) નામના મહિલા આજે સવારે 9 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગેસના ચુલા ઉપર ચા બનાવી રહ્યાં હતાં ત્યારે ગેસની નળી લીકેજ થતાં ભડકો થયો હતો. જેમાં કંચનબેન આગની ઝપેટમાં આવી જતાં દાઝી ગયા હતાં. જેથી ઘરમાં હાજર તેમના પતિ હરેશભાઈ નાનજીભાઈ સોલંકી (ઉ.40) પત્નીને ઠારવા માટે દોડતાં તેઓ પણ દાઝી ગયા હતાં. આ બનાવથી બન્ને પતિ પત્ની મોંઢાના ભાગે અને શરીરે ગંભીર રીતે દાજી જતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ દંપતિના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હરેશભાઈ શાકભાજીનો ધંધો કરે છે અને તેમને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરી હોવાનું જાણવા મળ્યું છે.