જસદણના લાખાવડમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
ગોંડલમાં યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો
જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રહતી પરિણીતાને તેના પતિ સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થતા ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના નાની લાખાવડ ગામે રહેતી સીમાબેન રાકેશભાઈ ખીમસુરીયા નામની 21 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે સાંજના સાડા આઠેક વાગ્યાના અરસામાં ઝેરી દવા ટીકડા ખાઈ લીધા હતા સીમાબેન ખીમસુરીયાની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે જસદણ અને આટકોટ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં સીમાબેનના 11 માસ પહેલા જ લગ્ન થયા છે. અને પતિ રાકેશ ખીમસુરીયા સાથે જમવા મુદ્દે ઝઘડો થયો હતો જેથી સીમાબેન ખીમસુરીયાને લાગી આવતા પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલમાં સબ જેલ સામે રહેતા અલ્પેશ લાલજીભાઈ વાઘેલા નામનો 24 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. અલ્પેશ વાઘેલાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.