શાપરમાં પતિએ માવતરમાં જવાની ના પાડતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
શાપર ટોલનાકા પાસે રહેતી પરિણીતાને બહેનના લગ્ન નજીક આવતા માવતરે જવું હતું. પરંતુ પતિએ માવતરે જવાની ના પાડતા પરિણીતાએ ફિનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર શાપર- વેરાવળ નજીક ટોલનાકા પાસે રહેતી ગુંજાબેન કિશોરકુમાર રવીદાસ નામની 19 વર્ષની પરિણીતાએ બપોરના એકાદ વાગ્યાના અરસામાં ફિનાઇલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં ગુંજાબેન મુળ બિહારની વતની છે અને પતિ સાથે શાપર- વેરાવળમાં રહી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુંજાબેનની બહેનના લગ્ન નજીક આવતા હોવાથી ગુંજાબેનને માવતરે જવું હતું. પરંતુ પતિ કિશોરકુમારે માવતરે જવાની ના પાડતા ફિનાઇલ પી લીધુ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ધ્રાંગધ્રામાં આવેલા આંબેડકરનગરનમાં રહેતો ધુવાભાઇ મનહરભાઇ રાઠોડ નામનો 22 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે કોઇ અગમ્ય કારણસર બિમારીની વધુ પડતી ટીકડીઓ ખાઇ લીધી હતી. યુવાનની તબીયત લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.